રોહિત શેટ્ટી અને અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’ની રિલીઝ ડેટને ચેન્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના લીધે અક્ષયના સંબંધમાં નેગેટિવ કોમેન્ટ્સ કરવામાં આવી રહી છે. જેનાથી આ એક્ટર પરેશાન થઈ ગયો છે. એટલા માટે જ તેણે હાથ જોડીને લોકોને અપીલ કરવી પડી હતી.

અક્ષય અત્યારે ‘સૂર્યવંશી’ના શૂટિંગમાં બિઝી છે. ઇન્ટરનેટ પર અત્યારે તેના વિશેની મીમ્સ અને કોમેન્ટ્સ વાઇરલ થઈ રહી છે. એનું કારણ એ છે કે, સલમાન ખાનની ફિલ્મ ‘ઇન્શાઅલ્લાહ’ માટે અક્ષયની ફિલ્મ ‘સૂર્યવંશી’ની રિલીઝ ડેટને ચેન્જ કરવામાં આવી છે.

જેના માટેની જાહેરાત પછીથી સોશિયલ મીડિયા પર નેગેટિવ કોમેન્ટ્સ આવી રહી છે. જેનાથી પરેશાન અક્ષયે એક ટ્વીટ કર્યું હતું. અક્ષયે આ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘છેલ્લા કેટલાક દિવસોથી મેં નોટિસ કર્યું છે કે, મારા સૌથી પ્રિય લોકો દ્વારા નકારાત્મક વાતો ફેલાવવામાં આવી રહી છે.

હું તમારી પરેશાની જોઈ અને સમજી શકું છું. આ સ્થિતિમાં હું ફક્ત હાથ જોડીને તમને એટલી જ વિનંતી કરું છું કે, તમે આવા નેગેટિવ ટ્રેન્ડ્સનો ભાગ ન બનો અને એની શરૂઆત ના કરો. મેં ખૂબ જ હકારાત્મતાથી ‘સૂર્યવંશી’ની શરૂઆત કરી છે. આ જ ભાવના સાથે એને બનાવવા અને રિલીઝ કરવા દો.’