સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે યોગી આદિત્યનાથ સરકાર પર અતિશય ગંભીર આરોપ લગાવ્યો છે. પ્રયાગરાજમાં અલાહાબાદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીસંઘ શપથગ્રહણ સમારોહમાં જવાની તૈયારીમાં લખનઉ એરપોર્ટ પહોંચેલા અખિલેશ યાદવે ટ્વિટ કર્યું છે કે મને પ્રયાગરાજ જતો રોકવામાં આવ્યો છે. મારી ફ્લાઇટ અટકાવવામાં આવી છે. અખિલેશ યાદવે કહ્યું કે સરકાર એટલી ડરે છે કે મને લખનઉ એરપોર્ટ પર જ અટકાવી દીધો.અખિલેશ યાદવનો આરોપ છે કે તેમને જબરદસ્તી લખનઉ એરપોર્ટ પર રોકવામાં આવ્યા છે અને અલાહાબાદ યુનિવર્સિટી જવા દેવામાં નથી આવ્યા.
અખિલેશ લગભગ 11 વાગે લખનઉના ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં પહોંચ્યા પછી તેમણે આરોપ લગાવ્યો છે કે તેમની ફ્લાઇટને પ્રયાગરાજ જતી રોકવામાં આવી છે. કોઈપણ લેખિત આદેશ વગર મને એરપોર્ટ પર અટકાવવામાં આવ્યો. પૂછ્યા પછી પણ અધિકારીઓ પરિસ્થિતિ સ્પષ્ટ કરવામાં નિષ્ફળ રહ્યા. વિદ્યાર્થીસંઘના કાર્યક્રમમાં જતા અટકાવવાનો એકમાત્ર ઉદ્દેશ યુવાનોની વચ્ચે સમાજવાદી વિચારો અને અવાજને દબાવવાનો છે.
તેઓ હવે પ્રયાગરાજના કાર્યક્રમોમાં જવાની વાત પર અડી ગયા છે. અલાહાબાદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીસંઘનો વાર્ષિકોત્સવ છે. આ કાર્યક્રમ 12 વાગ્યાથી શરૂ થવાનો હતો. તેમણે કહ્યું કેએક વિદ્યાર્થી નેતાના કાર્યક્રમથી સરકાર એટલી ડરે છે કે મને લખનઉ એરપોર્ટ પર જ અટકાવી દીધો. તેમણે કહ્યું કે યોગી સરકાર કારણ વગર જ મારા કાર્યક્રમમાં વિઘ્નો નાખી રહી છે.
આ પહેલા કાલના રોડ શૉ પર અખિલેસ યાદવે કહ્યું કે કોંગ્રેસનો રોડ શૉ સારી વાત છે. રાજકીય દળોએ કાર્યક્રમો કરતા રહેવા જોઈએ. ચૂંટણી નજીક આવી રહી છે. પાંચ વર્ષોમાં ભાજપને જોઈ લીધી. સપા-બસપા ગઠબંધનમાં બહુ બધા દળો સામેલ છે. તે બધા મદદ કરશે. આરએલડીને પણ 3 સીટ્સ આપવામાં આવી છે. તે પણ સામેલ છે અને નિષાદ પાર્ટી પણ. પહેલા અમે તેમની સાથે મળીને ચૂંટણી લડ્યા છીએ. આવનારા સમયમાં કેટલાક લોકસભામાં અમારી સાથે રહેશે તો કેટલાક દળો વિધાનસભા ચૂંટણીમાં અમારી સાથે રહેશે.