વડાપ્રધાન મોદીએ જૂનાગઢમાં જાહેરસભાને સંબોધન કરતા કોંગ્રેસની ભારે ટીકાઓ કરતાં કહ્યું હતું કે ‘તઘલક રોડ પરથી કોંગ્રેસનું ચૂંટણી કૌભાંડ ચાલી રહ્યું છે. કોંગ્રેસે ગરીબો અને સગર્ભાઓના નાણાં લૂંટ્યા છે.’ નવી દિલ્હીના તઘલક રોડ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નિવાસસ્થાન આવેલું છે. તાજેતરમાં આવકવેરા વિભાગે મધ્યપ્રદેશમાં મુખ્યપ્રધાન કમલનાથના નજીકના વ્યક્તિઓના નિવાસે દરોડા પાડ્યા હતા. ચાર રાજ્યમાં કુલ 52 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા સંખ્યાબંધ ભ્રષ્ટાચારને લીધે કોંગ્રેસને અનેક નામોથી ઓળખવામાં આવે છે.
‘હમણા નવું નામ પુરાવા સાથે આવ્યું છે. કોંગ્રેસ તઘલક રોડ ચૂંટણી કૌભાંડમાં સંડોવાઈ હોવાનું જણાયું છે. અહીં ગરીબોના નાણાં કોંગ્રેસી નેતાઓને મોકલવામાં આવ્યા છે. સગર્ભા મહિલાઓ માટેના નાણાં લૂંટવામાં આવ્યા છે,’ તેવો આક્ષેપ નરેન્દ્ર મોદીએ કર્યો હતો. કોંગ્રેસના મેનિફેસ્ટો પર તીવ્ર પ્રહારો કરતા વડાપ્રધાને ઉમેર્યું હતું કે, ‘જે ગંભીર ગુનાઓ આચરશે તેમને પણ જામીન આપવાની વાત કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં કરી છે. આ જોગવાઈઓ કોના માટે કરી છે, તમારા નેતાઓ માટે? છેલ્લા પાંચ વર્ષમાં મેં તેમને જેલના દરવાજા સુધી ધકેલ્યા છે અને જો તમે મને વધુ પાંચ વર્ષ આપશો તો તેઓ અંદર પણ જશે.’
કોંગ્રેસની સરકાર જે રાજ્યોમાં છે તેનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું કે, ‘અગાઉ કર્ણાટક કોંગ્રેસ માટે એટીએમ હતું હવે મધ્ય પ્રદેશ બની ગયું છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ સ્થિતિ આ જ પ્રકારની છે. કોંગ્રેસને ફક્ત ગરીબોના નાણાં લૂંટવામાં જ રસ છે. જ્યારે ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી ત્યારે વિપક્ષને પેટમાં દુ:ખાવો થયો હતો.’ ‘હું આતંકવાદને મિટાવવા માગું છું જ્યારે વિપક્ષ મને હટાવવા માંગે છે. મને ભાંડવામાં કોંગ્રેસે કંઈ બાકી નથી રાખ્યું. તમારા પનોતા પુત્રને, ચોકીદારને તેઓએ સંખ્યાબંધ ગાળો આપી છે,’ તેમ મોદીએ જૂનાગઢમાં જાહેરસભામાં જણાવ્યું હતું.