ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રના દિગ્ગજ અજીમ પ્રેમજી વિપ્રોના કાર્યકારી ચેરમેન પદ પરથી 30 જુલાઇએ રિટાયર્ડ થશે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, રિટાયર્ડ થયા બાદ પણ અજીમ પ્રેમજી બોર્ડમાં બિન-કાર્યકારી નિદેશક અને સંસ્થાપક ચેરમેન તરીકે પોતાની ભૂમિકા નિભાવતા રહેશે. તેમના પુત્ર ઋષદ પ્રેમજી, જે હાલ ચીફ સ્ટ્રેટર્જી ઓફિસર અને બોર્ડ મેમ્બર છે, તેઓ કાર્યકારી ચેરમેનનો પદભાર સંભાળશે.

વિપ્રોએ પોતાના નિવેદનમાં ટોપ મેનેજમેન્ટમાં ફેરફારની જાહેરાત કરતા કહ્યું કે, અજીમ પ્રેમજી ભારતીય ટેક્નોલોજી ઉદ્યોગના અગ્રદૂતોમાંથી એક છે અને વિપ્રો લિમિટેડના સંસ્થાપક, કાર્યકારી ચેરમેનના પદ પરથી 30 જુલાઇ 2019ના રોજ નિવૃત્ત થશે. તેમણે 53 વર્ષો સુધી કંપની સંભાળી. જો કે, તેઓ બોર્ડમાં બિન-કાર્યકારી નિદેશક અને સંસ્થાપક ચેરમેન તરીકે જવાબદારી સંભાળતા રહેશે.

કંપની બોર્ડે તે પણ જાહેરાત કરી છે કે, મુખ્ય કાર્યકારી અને કાર્યકારી નિદેશક અબિદાલી જેડ નીમતવાલાને ફરીથી CEO અને મેનેજિંગ ડિરેક્ટર નોમિનેટેડ કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે, મેનેજમેન્ટમાં આ ફેરફાર 31 જુલાઇ 2019થી અમલી થશે અને તે શેરધારકોની મંજુરી પર નિર્ભર હશે.