મલેશિયાના ઈપોહમાં રમાઈ રહેલી સુલતાન અઝલાન શાહ કપ હોકી ટુર્નામેન્ટમાં રવિવારે (ચોથી) ઈંગ્લેન્ડે આખરી મિનિટોમાં ગોલ ફટકારીને ભારતને ટુર્નામેન્ટમાં તેની પહેલી જીતથી વંચિત રાખતાં મેચ ૧-૧થી ડ્રો કરી હતી. સરદાર સિંઘની આગેવાની હેઠળની ભારતીય મેન્સ હોકી ટીમે ઈંગ્લેન્ડ સામેની મેચમાં ૧-૦થી સરસાઈ મેળવી લીધી હતી. જોકે છેલ્લી પળોમાં ઈંગ્લેન્ડે જોરદાર કમબેક કરતાં ગોલ ફટકાર્યો હતો અને ભારતને ડ્રોથી સંતોષ માનવો પડ્યો હતો. ભારતને મેચમાં કુલ નવ પેનલ્ટી કોર્નર મળ્યા હતા, પણ ભારતીય હોકી ટીમ તેમાંથી એક પણ ગોલ કરી શકી નહોતી.
ભારતનો પ્રથમ મેચમાં શુક્રવારે ઓલિમ્પિક ચેમ્પિયન અને બીજા ક્રમના આર્જેન્ટીના સામે ૨-૩થી પરાજય થયો હતો. આ પછી ઈંગ્લેન્ડ સામેની મેચ ડ્રો થતાં હવે ભારતે ફાઈનલમાં પ્રવેશવા બાકીની મેચોમાં વિજય મેળવવો આવશ્યક છે.
ઈંગ્લેન્ડ સામેની મેચમાં ભારતની શરૂઆત પોઝિટીવ રહી હતી અને પ્રથમ ક્વાર્ટર પુરો થવામાં એક મિનિટ બાકી હતી, ત્યારે યુવા ખેલાડી શિલાનંદ લાકરા (૧૪મી મિનિટે)એ ગોલ કરી ભારતને સરસાઈ અપાવી હતી. ભારત એ પછીની રમતમાં મળેલા આઠથી વધુ પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવી શક્યું નહોતુ. મેચની ૫૩મી મિનિટે ઈંગ્લેન્ડના માર્ક ગ્લેગ્હોર્ને પેનલ્ટી કોર્નર ગોલમાં કન્વર્ટ કરી ઈંગ્લેન્ડને ૧-૧થી બરોબરીમાં લાવી દીધું હતું.
આર્જેન્ટીના સામે ભારે સંઘર્ષ બાદ ભારત ૨-૩થી હાર્યુઃ ઓલિમ્પિક ચેમ્પિયન અને વર્લ્ડ નંબર ટુ આર્જેન્ટીના સામેના અત્યંત સંઘર્ષપૂર્ણ મુકાબલામાં શુક્રવારે ભારતીય મેન્સ હોકી ટીમનો ૨-૩થી પરાજય થયો હતો. આર્જેન્ટીનાના વિજયમાં ગોન્ઝાલો પેઈલાટે મહત્વની ભૂમિકા ભજવતાં ગોલની હેટ્રિક ફટકારી હતી. ભારત તરફથી બંને ગોલ અમિત રોહિદાસે કર્યા હતા.