બિલિયોનેર ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ હવે પેટ્રોકેમિકલ્સ બિઝનેસમાં પ્રવેશ કરશે. અદાણી જર્મનીની કેમિકલ પ્લાન્ટ ઉત્પાદક બીએએસએફ(BASF) સાથે સંયુક્ત સાહસમાં ગુજરાતના મુંદ્રા ખાતે 16,000 કરોડ રૂપિયાનો પ્લાન્ટ સ્થાપશે. અત્યાર સુધી પેટ્રોકેમિકલ્સ બિઝનેસમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું વર્ચસ્વ રહ્યું છે. બીજી તરફ બીએસએફનું ભારતમાં અત્યાર સુધીનું આ સૌથી મોટુ રોકાણ હશે. 2019ના અંત સુધીમાં આ પ્રોજેક્ટનો ફીઝિબિલિટી સ્ટડી પૂરો કરી લેવાશે.
સંયુક્ત સાહસ અંતર્ગત અદાણી અને BASF એક્રેલિક વેલ્યુચેઈનમાં રોકાણ કરશે. બન્ને કેમિકલ ફેક્ટરી સ્થાપવા ઉપરાંત ત્યાં વિન્ડ પાવર અને સોલાર પાવર પ્લાન્ટમાં પણ રોકાણ કરશે, જેથી આ પ્લાન્ટની વીજળીની જરૂરિયાત પૂરી કરી શકાશે. આમ, બીએએસએફની પ્રથમ CO2-neutral સાઈટ 100 ટકા રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરશે.
બીએસએએફ નવા સંયુક્ત સાહસમાં બહુમતી હિસ્સો ધરાવશે. જોકે પાવર પ્લાન્ટમાં તેનો લઘુમતી હિસ્સો રહેશે. બીએસએએફ એસઈ અને અદાણી ગ્રુપે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ની પૂર્વસંધ્યાએ આ સંયુક્ત સાહસ અંગે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.
હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પેટ્રોકેમિકલ્સ બિઝનેસમાં માર્કેટ લીડર છે અને હવે અદાણી ગ્રુપનો પણ તેમાં પ્રવેશ થતા ગુજરાતમાંથી જ બે બિલિયોનેર વચ્ચે આ ક્ષેત્રે સીધી સ્પર્ધા થશે.
એક વર્ષ પહેલા જાન્યુઆરી-2018માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 16,000 કરોડ રૂપિયાના ખર્ચે પેટ્રોકેમિકલની ઉત્પાદન ક્ષમતા વધારી હતી અને વિશ્વની ટોચની પાંચ પેટ્રોકેમિકલ કંપનીમાં સ્થાન મેળવ્યું હતું.
અદાણી-BASF સંયુક્ત રીતે કેમિકલ્સનું ઉત્પાદન કરશે, જેનો કન્સ્ટ્રક્શન, ઓટોમોટિવ અને કોટિંગ બિઝનેસમાં ઉપયોગ થશે.
બન્ને કંપનીઓ આ સંયુક્ત સાહસ અંતર્ગત પ્રોપેન ડિહાઈડ્રોજીનેશન (PDH), ઓક્ઝો C4 કોમ્પ્લેક્સ (બ્યૂટેનોલ અને 2-ઈથિલ હેક્ઝાનોલ), ગ્લેસિયલ એક્રિલિક એસિડ, બ્યુટાઈલ એક્રિલેટ સહિતની પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરશે. સ્થાનિક બજારમાં વિવિધ ઉદ્યોગો માટે તે આ પ્રોડક્ટ્સની વ્યાપક રેન્જ ઓફર કરશે અને એ રીતે ‘મેઈક ઈન ઈન્ડિયા’ ઝુંબેશને આગળ ધપાવશે. બીએએસએફ ભારતમાં સૌથી વધુ મૂડી રોકાણ ધરાવે છે અને મુદ્રાને અનોખા કેમિકલ ક્લસ્ટર તરીકે સુસ્થાપિત કરશે.
આ પ્રસંગે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી જણાવ્યું હતું કે ‘ભારતમાં મધ્યમ વર્ગની વિસ્તરતી જતી માંગને કારણે ભારત આ પૈકી અનેક પ્રોડક્ટસની મોટાપાયે આયાત કરે છે. આ કારણે કિંમતી વિદેશી હુંડિયામણ વિદેશમાં ઘસડાઈ જાય છે. BASF સાથેની અમારી ભાગીદારી એ આપણાં દેશના મેઈક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ તરફનું એક મહત્વનું અને મોટું પગલું છે, કારણ કે આ ભાગીદારીને કારણે અમે C3 કેમિકલ વેલ્યુચેઈનની સાથે-સાથે જેની હાલમાં આયાત થઈ રહી છે તેવા કેટલાક કેમિકલ્સનું ઉત્પાદન કરીશું. મુંદ્રા ખાતેની માળખાગત સુવિધાઓ કેમિકલ્સના ઉત્પાદન માટે આદર્શ સ્થિતિ ધરાવે છે અને રિન્યુએબલ એનર્જી પૂરી પાડવાની અમારી ક્ષમતાને કારણે આ ભાગીદારી વિવિધ મોરચે અનોખી બની રહેશે.’
BASF SE ના બોર્ડ ઓફ એક્ઝીક્યુટિવ ડિરેક્ટર્સના ચેરમેન ડો. માર્ટીન બ્રુડરમૂલરે આ અંગે કહ્યું હતું કે ‘એક્રેલિક વેલ્યુચેઈન માટે મહત્વના નવા સ્થળે રોકાણ કરવાનો અમારો ઈરાદો ભારતીય ગ્રાહકો પ્રત્યેની મજબૂત અને લાંબાગાળાની નિષ્ઠા દર્શાવે છે. અદાણી ગ્રુપ સાથે મળીને અમને અમારા ગ્રાહકોને હાઈ ક્વોલિટી કેમિકલ્સ પૂરાં પાડવાની તક મળશે અને અમે તેમના વૃદ્ધિ પામતા જતા બિઝનેસમાં સહાયરૂપ બનીશું. ‘