અદાણી પાવરની ડિસેમ્બર 2018ને અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ખોટ ઘટીને રૂ.1,180.78 કરોડની થઈ હતી જે આગલા વર્ષના સમાન ગાળામાં રૂ.1,313.74 કરોડની થઈ હતી. કંપનીની કુલ આવક વધીને રૂ.6,667.11 કરોડની થઈ હતી જે આગલા વર્ષના સમાન ગાળામાં રૂ.4,916.34 કરોડની હતી. ચાલુ વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં પાવર જનરેટિંગ પ્લાન્ટની સરેરાશ પ્લાન્ટ લોડ ફેકટર (પીએલએફ) અથવા વપરાશ ક્ષમતા 73 ટકા રહ્યું હતું જે આગલા વર્ષના સમાન ગાળામાં 58 ટકા હતું. કંપનીના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું હતું કે, રેગ્યુલેટરી ઇસ્યૂના રિઝોલ્યુશનમાં ઝડપી પ્રોગ્રેસ જોવાતા અમારા પ્રોજેક્ટના રોકડ પ્રવાહ પર અસર જોવાઈ હતી. અમને આશા છે છે સીઇઆરસી સમયસર પીપીએને મંજૂરી આપશે જેથી મુદ્રા પાવર પ્લાન્ટની કામગીરી સરળતાથી જળવાઈ રહે. અમે થર્મલ પાવર સેક્ટરમાં લાંબા ગાળાનો ગ્રોથ જોઈ રહ્યા છીએ, જે ભારતના આર્થિક ગ્રોથને આગળ વધારશે અને આ સેક્ટરના પડકારોને દૂર કરવાના સરકારના પ્રયાસને ટેકો મળશે.
દેશની સૌથી મોટી પોર્ટ ડેવલપર અને લોજિસ્ટિક કંપની અદાણી પોર્ટનો ડિસેમ્બર 2018ને અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં નફો 41.75 ટકા વધીને રૂ.1,418.93 કરોડનો થયો હતો જે આગલા વર્ષના સમાન ગાળામાં રૂ.1,001 કરોડનો થયો હતો. કંપનીની ત્રિમાસિક ગાળામાં કુલ આવક વધીને રૂ.3,168.88 કરોડની થઈ હતી જે આગલા વર્ષના સમાન ગાળામાં રૂ.2,924.85 કરોડની થઈ હતી. આ ગાળામાં કોન્સોલિડેટ કુલ ખર્ચ વધીને રૂ.1,347.97 કરોડનો થયો હતો જે આગલા વર્ષના સમાન ગાળામાં રૂ.1,330.86 કરોડનો હતો. .
કંપનીના સીઇઓ અને સંપૂર્ણ સમયના ડિરેક્ટર કરણ અદાણીએ કંપનીની કામગીરીના સદર્ભમાં કહ્યું હતું કે, ચાલુ વર્ષના પ્રથમ નવ મહિનામાં દરેક પ્રકારના કાર્ગો જેવા કે કોલ, કન્ટેનર, ક્રૂડ અને અન્ય બલ્કની કામગીરીમાં બે આંકડામાં વૃધ્ધિ થઈ હતી. અમે સતત વૈવિધ્યસભર કાર્ગો સંચાલન પણ ફોકસ કરી રહ્યા છે અને તેને પરિણામે સતત આર્થિક ગ્રોથ કરી રહ્યા છીએ. કંપની અગાઉના 20 કરોડ ટનના અગાઉના અંદાજને ઓળંગી જવાની આશા તેમણે વ્યકત કરી હતી. .
ત્રિમાસિક ગાળામાં કાર્ગો વોલ્યૂમમાં 12 ટકાની ગ્રોથ નોંધાયો હતો. દરેક પોર્ટની કામગીરીમાં મજબૂત સુધારો હતો. મુદ્રા પોર્ટનો ગ્રોથ 6 ટકાનો, હઝીરા અને દહેજનો 15 ટકા અને 20 ટકાનો જોવાયો હતો. ધામરાનો ગ્રોથ 9 ટકાનો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે, ચૈન્નાઈ સ્થિત એનોર પોર્ટ વ્યાપારી ધોરણે કાર્યરત થયો હતો અને ત્રિમાસિક ગાળામાં 24,000 ટીઇયુનું સંચાલન કર્યું હતું. કાર્ગો સંચાલનમાં કોલનો ગ્રોથ 11 ટકા, કન્ટેનરમાં 9 ટકા અને કોલ સિવાયના બલ્ક કાર્ગોનો 10 ટકાનો ગ્રોથ હતો. કંપની કેરળમાં વિંઝિંમમાં પણ પોર્ટ વિકસાવી રહી છે.