ગૌતમ અદાણીના અદાણી ગ્રુપની કંપની અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન(APSEZ)એ બુધવારે દાવો કર્યો હતો કે નાણાકીય વર્ષ 2018-19માં 20 કરોડ ટન કાર્ગો મૂવમેન્ટ હેન્ડલ કરનારી તે સૌપ્રથમ ભારતીય પોર્ટ ઓપરેટર બની ગઈ છે. APSEZએ 2013-14માં 10 કરોડ ટન કાર્ગો હેન્ડલિંગ કર્યું હતું. અદાણી પોર્ટે કહ્યું હતું કે 21 માર્ચે કંપનીએ 20 કરોડ ટનથી વધુ કાર્ગો મૂવમેન્ટ પાર કરી લીધું છે. અદાણી પોર્ટ સેઝના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કરણ અદાણીએ કહ્યું હતું કે ‘વર્ષ 2020 સુધીમાં આ લક્ષ્યાંક પાર કરવાનું અમે નક્કી કર્યું હતું, પરંતુ ટેક્નોલોજીની મદદથી અને ઓપરેશનલ કાર્યક્ષમતા તથા વધુ એસેટ યુટિલાઈઝેશનને પગલે નિર્ધારીત સમય કરતાં વહેલો આ લક્ષ્યાંક અમે પાર કરી લીધો છે. ધામરા અને મુંદ્રા ખાતે કંપનીએ તેની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે. એન્નોર અને કટ્ટુપલ્લી ખાતે તેણે ઊભી કરેલી ફેસિલિટીને કારણે આ ટારગેટ પૂરો કરી શક્યા છીએ.’ કરણ અદાણીએ ઉમેર્યું હતું કે ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ કંપની તરીકે વેલ્યૂ એડિશન તથા કોલસાનું કોસ્ટલ શિપિંગ કરવાને કારણે સમગ્ર પ્રક્રિયા મજબૂત બની હતી જેનો પણ કંપનીને ફાયદો થયો હતો. કંપનીએ સૌપ્રથમ મુંદ્રા પોર્ટ વિકસાવ્યું, પરંતુ ત્યાર પછી હઝિરા, ધામરા, દહેજ અને તાજેતરમાં કટ્ટુપલ્લી પોર્ટ ડેવલપ કર્યું છે. કંપનીએ કહ્યું હતું કે ઉત્તર-પશ્ચિમના વિસ્તારો સાથે રેલ-રોડ કનેક્ટિવિટી, આધુનિક પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈક્વિમેન્ટ, જહાજ માટે ઝીરો વેઈટિંગ ટાઈમ, ઝડપી ટર્નઅરાઉન્ડ ટાઈમ અને સ્પર્ધાત્મક રેટને પગલે અદાણી પોર્ટ આ ઝડપી વૃદ્ધિ કરી શકી છે. કરણ અદાણીએ ઉમેર્યું હતું કે ‘આ સિદ્ધિ દેશની આર્થિક પ્રગતિમાં પોર્ટ સેક્ટરનું વ્યાપક યોગદાન પણ દર્શાવે છે. અમારી કંપનીએ 1,00,000થી વધુ નોકરીઓનું સર્જન કર્યું છે, 25,000થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું છે અને 2,00,000થી વધુ લોકોને મદદ કરી છે.’ અદાણી પોર્ટે કહ્યું છે કે હવે તેણે વર્ષ 2025 સુધીમાં બમણો એટલે કે 40 કરોડ કાર્ગો હેન્ડલિંગનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.