નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે, અમે પહેલાથી જ કહેતા હતા કે આ આંદોલન પાટીદાર અનામત આંદોલન નહીં, પણ કોંગ્રેસને મદદ કરવા માટેનું આંદોલન છે, જે કોંગ્રેસની મદદ, પૈસા અને માર્ગદર્શનથી ચાલી રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, પાટીદાર આગેવાનોના નકાબ પહેરીને કેટલાક કોંગ્રેસના એજન્ટો સમાજનો સોદો કરવા નીકળ્યા છે. તેમાંય છેલ્લા એક મહિનામાં બનેલા બનાવોએ સાબિત કરી દીધું છે કે કેવા નબળા લોકો સમાજના કહેવતા આ આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. કોંગ્રેસ સાથે થયેલા વિખવાદ બાદ આજે હાર્દિકે કરેલી પ્રેસ કોન્ફરન્સ પર નિશાન તાકતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક જાણે કોઈ મોટો આધ્યાત્મિક ગુરુ હોય તેવી ભાષામાં આજે બોલી રહ્યો હતો. પોતે ઐયાશીમાં માનતો ન હોવાનું કહેનારાની ઐયાશી પણ ગુજરાતના લોકોએ જોઈ લીધી છે. ખરેખર તો પાસ અને કોંગ્રેસ વચ્ચેની બબાલમાં મૂળ મુદ્દો ટિકિટોનો જ હતો. જે તોફાનો થયા તેનાથી તેમનો અસલ ઉદ્દેશ બહાર આવી ગયો.નીતિન પટેલે દાવો કર્યો હતો કે, પાટીદારો સામે થયેલા કેસ પાછા ખેંચવા ઉપરાંત, પોલીસ દમનની નિવૃત્ત જજ પાસે તપાસ કરાવવાથી લઈને પાટીદારો માટે જે પણ કરવાનું હતું તે તમામ સરકાર કરી ચૂકી છે. નીતિન પટેલે હાર્દિકને ચેતવણી આપી હતી કે, તું ભલે વેચાઈ ગયો હોય કે વેચાવા તૈયાર થઈ ગયો હોય તારા મનમાં ભલે ગમે તે હોય, પણ સમાજની સોદાબાજી ન કરીશ.. મારી તને સલાહ અને ચેતવણી છે કે, સુપ્રીમના તટસ્થ વકીલની સલાહ લે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, દિનેશ બાંભણિયા અને સમાજને ગેરમાર્ગે દોરનારા લોકોને સમાજના લોકો પકડી-પકડીને પાઠ ભણાવશે.