ભારતના ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ તેમના ઉદ્યોગજૂથનું જંગી દેવું ઘટાડવાનો નિર્ધાર જાહેર કર્યો હતો. મંગળવારે અનિલ અંબાણીએ કહ્યું હતું કે છેલ્લા 14 મહિનામાં 35000 કરોડ રૂપિયાથી વધુની લોન ચૂકવવામાં આવી છે અને ભવિષ્યમાં દેવા ચુકવણી પ્રક્રિયા સમયબદ્ધ યોજના પ્રમાણે પૂરી કરવામાં આવશે.

જૂથ પર લગભગ એક લાખ કરોડ રૂપિયાનું દેવું છે જે ચૂકવવા તે એસેટ વેચાણ હાથ ધરી રહ્યા છે. તાજેતરમાં રેડિયો સ્ટેશન, મ્યુચ્યુઅલ ફંડનો ધંધો વેચવામાં આવ્યો હતો અને જનરલ ઇન્સ્યુરન્સનું એકમ વેચવા વાટાઘાટ ચલાવી રહ્યા છે. એક મીડિયા કોન્ફરન્સ કોલમાં તેમણે કહ્યું કે, “એસેટ વેચાણ યોજના દ્વારા હવે પછી ડ્યૂ થનારી ડેટસર્વિસિંગ (દેવા ચુકવણી) સમયબધ્ધ યોજના પ્રમાણે હાથ ધરવા જૂથ સમર્પિત છે.

અનિલ અંબાણી જૂથે 24800 કરોડ રૂપિયાની મુદ્દલ રકમ ચૂકવી છે અને 1 એપ્રિલ, 2018થી 31 મે 2019ના સમયગાળામાં 10,600 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું છે. રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ પાવર, રિલાયન્સ ઇન્ફ્રા અને તેમની સંબંધિત કંપનીઓના દેવા સાથે આ ચુકવણી સંકળાયેલી છે.

તેમણે કહ્યું હતું કે “રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર, રિલાયન્સ પાવર અને તેમની સાથે સંકળાયેલી કંપનીઓના 30000 કરોડ રૂપિયાથી વધુ રકમના દાવા પર કોર્ટનો અથવા નિયમનકારીઓનો અંતિમ આદેશ પાંચથી દસ વર્ષ સુધી પણ મળ્યો નથી. તેમનું જૂથ ટેલિકોમ સ્પેકટ્રમ અને ટાવર બિઝનેસ વેચવા પ્રયત્ન કરી રહ્યું છે, પણ નિયમનકારી અવરોધનો સામનો કરવો પડી રહ્યો છે તેવું તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે છેલ્લા 14 મહિનાના સમયગાળામાં દરેક શ્રેણીના ધીરાણકારે રિલાયન્સ જૂથને વધારાની લિક્વિડિટી અથવા લોન આપી ન હતી. ખૂબ મુશ્કેલ સમયમાં 35000 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે તેવું અનિલ અંબાણીએ કહ્યું હતું.