અનિલ અંબાણીએ આરનિપ્પોનમાંનો 42. 88 ટકા હિસ્સો વેચી નાખવાનો નિર્ણય કર્યો છે. જો સોદો પાર પડ્યો તો નિપ્પોન સૌપ્રથમ સંપૂર્ણ વિદેશી કંપનીની માલિકીનું મ્યુચ્યુઅલ ફંડ બની જશે.આરકોમ એરિક્સનને Rs 260 કરોડ તાત્કાલિક આપી દેશે. સુપ્રીમ કોર્ટના આદેશના 24 કલાકમાં જ અનિલ અંબાણીની રિલાયન્સ કમ્યૂનિકેશન્સે તેના બેન્ક ખાતામાંથી 260 કરોડ રૂપિયા સીધા જ એરિક્સનને ચૂકવી દેવા માટે તેના લેણદારો પાસેથી તાત્કાલિક મંજૂરી લેવડાવી લીધી છે. આરકોમે એક નિવેદનમાં કહ્યું હતું કે તે બાકીના 200 કરોડ રૂપિયા પણ ટૂંક સમયમાં એરિક્સનને ચૂકવી દેશે. આમ, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એક મહિનામાં કુલ 453 કરોડ રૂપિયા તે ચૂકવી દેશે. કંપનીએ કહ્યું કે તેણે હાલમાં તેના બેન્કમાં રહેલા 260 કરોડ રૂપિયા તાત્કાલિક એરિક્સનને ચૂકવી દેવા માટે લેણદારોની મંજૂરી મેળવી લીધી છે. આરકોમે એનસીએલટી મારફતે ડેટ રેઝોલ્યૂશન પ્લાનમાં જવાનો નિર્ણય લીધો હોવાથી લેણદારોની મંજૂરી અનિવાર્ય હતી. આરકોમના પ્રવક્તાએ કહ્યું હતું કે 118 કરોડ રૂપિયા તો સુપ્રીમ કોર્ટમાં જમા પણ કરાવી દેવાયા છે. રિલાયન્સ કેપિટલે રિલાયન્સ નિપ્પોન લાઈફ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ(RNAM)માં તેનો સંપૂર્ણ 42.88 ટકા હિસ્સો વેચી દેવાની જાહેરાત કરી છે. આ માટે તેણે નિપ્પોન લાઈફને જ આ હિસ્સો ખરીદી લેવા માટે આમંત્રિત કરી છે.
રિલાયન્સ કેપિટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં કહ્યું છે કે તેણે પાર્ટનર નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સને 42.88 ટકા સુધીનો હિસ્સો ખરીદવા માટે ઓફર કરી છે. આ અંગે કંપની યોગ્ય સમયે વધુ જાહેરાત કરશે. જો આ સોદો પાર પડશે તો રિલાયન્સ કેપિટલનું 40 ટકા દેવું(18,000 કરોડ રૂપિયા) ચૂકતે કરવામાં મદદ મળશે. વળી, નિપ્પોન આ હિસ્સો બજારભાવ કરતાં ખાસ્સા પ્રીમિયમથી ખરીદે તેવી શક્યતા છે. જો સોદો પાર પડશે તો તે સૌપ્રથમ સંપૂર્ણ વિદેશી કંપનીની માલિકીનું મ્યુચ્યુઅલ ફંડ બની જશે.
બીએસઈના ડેટા અનુસાર 31 ડિસેમ્બર, 2018ના રોજ રિલાયન્સ કેપિટલ રિલાયન્સ નિપ્પોન લાઈફ એસેટ મેનેજમેન્ટ લિમિટેડમાં 42.9 ટકા હિસ્સો ધરાવે છે. અનિલ અંબાણી ગ્રુપની આ અગ્રણી કંપની છે. અનિલ અંબાણી હાલ તેમનું દેવું ઓછું કરવા માટે તમામ શક્ય પ્રયાસ કરી રહ્યા છે. બુધવારે જ સુપ્રીમ કોર્ટે આકરો આદેશ કરતા કહ્યું છે કે જો અનિલ અંબાણી એરિક્સનને 453 કરોડ રૂપિયા એક મહિનામાં નહીં ચૂકવે તો તેમને ત્રણ મહિનાની જેલની સજા થશે. આ ચુકાદાના 24 કલાકમાં જ અનિલ અંબાણીએ રિલાયન્સ નિપ્પોનમાં સંપૂર્ણ હિસ્સો વેચવાની જાહેરાત કરી દીધી છે.
અગાઉ અનિલ અંબાણીએ રિલાયન્સ પાવરમાં પણ હિસ્સો વેચીને 2500 કરોડ રૂપિયા એકત્ર કરવાની જાહેરાત કરી દીધી છે. આ માટે કતાર અને અબુધાબીના સોવરેન વેલ્થ ફંડ્સે તથા પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ કેકેઆરે રસ દાખવ્યો છે. રિલાયન્સ પાવરે હિસ્સો વેચવા માટે જે.પી. મોર્ગનને બેન્કર તરીકે નિયુક્ત કરી છે. કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, બ્લેકસ્ટોન, ટીપીજી અને કેકેઆરે રિલાયન્સ પાવરમાં હિસ્સો ખરીદવા માટે બિડિંગ કરવામાં રસ દાખવ્યો છે. પ્રમોટરો તેમના 30 ટકા સીધા હોલ્ડિંગ પૈકી 18-19 ટકા હિસ્સો વેચવા વિચારી રહ્યા છે. આ હિસ્સો વેચ્યા પછી સમગ્ર રીતે તેમનો સીધો કે પરોક્ષ હિસ્સો 51 ટકા રહેશે. ડિસેમ્બરના અંતે પ્રમોટરોનો કંપનીમાં 75 ટકા હિસ્સો હતો.