અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની સયાજીએક્સપ્રેસમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. મોરબી અને માળિયા વચ્ચે ટ્રેનમાં ગોળી મારવામાં આવી. મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ટ્રેનમાં ઘૂસી ગોળી મારી હતી. તેઓ ભુજથી અમદાવાદ આવી રહ્યા હતા. તેમને એક ગોળી છાતીમાં અને એક ગોળી આંખમાં વાગી હતી. કટારિયા-સૂરજબારી સ્ટેશન વચ્ચે આ ઘટના બની હતી. તેઓ ટ્રેન નંબર 19116માં સવાર હતા. આ હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
મોરબી જિલ્લાના પોલીસ વડા સહિત પોલીસ કાફલો તૈનાત થઇ ગયો છે. આ મામલે FSLની પણ મદદ લેવામાં આવી રહી છે. જયંતી ભાનુશાળી પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ હતા. જયંતી ભાનુશાળીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવશે. જ્યંતી ભાનુશાળીના અંતિમ સંસ્કાર અમદાવાદમાં કરાશે. રેલ્વે સાથે સંકળાયેલા મર્ડરની થિયરી પર પોલીસ તપાસ કરશે. રેલ્વે પોલીસે SITની રચના કરી. રાજકોટ DySPની પણ મદદ લેવાશે. રેલ્વે LCBના એક PI, 2 PSI તથા પોલીસ કોન્સ્ટેબલનો પણ સમાવેશ કરાશે.