ફાઈલ ફોટો

ભારતના ઓલિમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ શૂટર અભિનવ બિન્દ્રાને શૂટિંગમાં વિશિષ્ટ પ્રદાન સાથેની સિદ્ધિ બદલ ‘બ્લુ ક્રોસ’ સન્માનથી નવાજવામાં આવ્યો છે. શૂટિંગની રમતમાં વિશિષ્ટ અને અસાધારણ યોગદાન આપનારા ખેલાડીને આ સન્માન અપાય છે. બિન્દ્રા આઇએસએસએફ ‘બ્લુ ક્રોસ’ સન્માન મેળવનારો સૌપ્રથમ ભારતીય છે.
૩૬ વર્ષના અભિનવ બિન્દ્રાએ ૨૦૦૮માં બેઈજિંગ ઓલિમ્પિક્સમાં ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. તે ભારતીય ઓલિમ્પિક્સના ઈતિહાસમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ હાંસલ કરનારો સૌપ્રથમ ખેલાડી બન્યો હતો. ઓલિમ્પિક્સમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ હાંસલ કર્યા પછી પણ બિન્દ્રા શૂટિંગમાં નોંધપાત્ર દેખાવ કરતો રહ્યો હતો અને સાથે સાથે તેણે નવી પેઢીના શૂટર્સ તૈયાર કરવા તરફ પણ વિશેષ ધ્યાન આપ્યું હતુ.
જર્મનીના મ્યુનિકમાં શૂટિંગની સર્વોચ્ચ સંસ્થા – આઇએસએસએફ-ની જનરલ એસેમ્બલીમાં બિન્દ્રાને આ પુરસ્કાર આપવાનો નિર્ણય લેવાયો હતો. બિન્દ્રાએ આ જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી અને મેડલ તેમજ સર્ટિફિકેટની તસવીર પણ શેર કરી હતી. બિન્દ્રાએ આ સન્માન બદલ ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેણે એથ્લીટ્સ અને આઇએસએસએફ માટે કામ કરવાની તક મળી તેને પોતાના જીવનની સૌભાગ્યપળ ગણાવી હતી.
બિન્દ્રાએ તેની ઝળહળતી કારકિર્દી દરમિયાન ૨૦૦૮ના બેઇજિંગ ઓલિમ્પિકમાં ગોલ્ડ સફળતા હાંસલ કરી તે અગાઉ ૨૦૦૬માં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ સુવર્ણ સિધ્ધિ હાંસલ કરી હતી. તેના નામે હાલમાં કુલ સાત કોમનવેલ્થ ગેમ્સ મેડલ્સ અને ત્રણ એશિયન ગેમ્સ મેડલ છે. ભારત સરકારે તેને ૨૦૦૦ની સાલમાં અર્જુન એવોર્ડ અને ૨૦૦૧માં ખેલ રત્ન એવોર્ડ એનાયત કર્યો હતો. ૨૦૦૯માં બિન્દ્રાને પદ્મભૂષણ સન્માનથી નવાજવામાં આવ્યો હતો.
૨૦૧૬ના રીઓ ઓલિમ્પિક્સમાં તે થોડા માટે મેડલ ચૂકી ગયો હતો અને એ પછી તેણે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી હતી.