ભારતીય સિનેમાના જાણીત ચરિત્ર અભિનેતા અને લેખક ગિરીશ કર્નાડનું સોમવારે લાંબી બીમારી બાદ બેંગ્લુરુમાં નિધન થયું છે. તેઓ 81 વર્ષના હતા. મોતનું કારણ મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર જણાવવામાં આવ્યું છે. ગિરીશનો જન્મ 19 મે, 1939નાં રોજ મહારાષ્ટ્રના માથેરાનમાં થયો હતો. તેમને ભારતના જાણાતી સમકાલીન લેખક, અભિનેતા, ફિલ્મ ડાયરેક્ટર અને નાટયકાર તરીકે ઓળખવામાં આવે છે. તેઓ પદ્મ ભૂષણ, પદ્મ શ્રી અને જ્ઞાનપીટ પુસ્કારોથી સન્માનિત કરાયા હતા. હાલના વર્ષોમાં ગિરીશ કર્નાડે સલમાન ખાનની ફિલ્મ ‘એક થા ટાઈગર’ અને ‘ટાઈગર જિંદા હૈ’માં પણ કામ કર્યુ હતું. ટાઈગર જિંદા હૈ બોલીવુડની તેમની છેલ્લી ફિલ્મ હતી. જેમાં તેઓએ ડૉ. શેનોયની ભૂમિકા ભજવી હતી.
ગિરીશે કન્નડ ફિલ્મ સંસ્કાર (1970)થી એકટિંગ અને સ્ક્રીન રાઈટિંગમાં કેરિયરની શરૂઆત કરી હતી. જેના માટે તેઓને કન્નડ સિનેમાનો પહેલો પ્રેસિડન્ટ ગોલ્ડન લોટસ એવોર્ડ મળ્યો હતો. બોલીવુડમાં તેમની પહેલી ફિલ્મ 1974માં આવેલી ‘જાદ કા શંખ’ હતી. જે બાદ ફિલ્મ ‘નિશાંત’ (1975), ‘શિવાય’ અને ‘ચોક ઓન ડસ્ટર’માં પણ કામ કર્યુ હતું.વડાપ્રધાન મોદીએ આજે ટ્વીટ કર્યુ, “ગિરીશ કર્નાડને તેમના બહુમુખી અભિનય માટે હંમેશા યાદ કરવામાં આવશે. તેમની પસંદના મુદ્દાઓ પર તેઓએ પૂરાં ઉત્સાહની સાથે પોતાના વિચાર વ્યક્ત કર્યા. તેમના કાર્ય આવનારાં વર્ષમાં પણ લોકપ્રિય બની રહેશે. તેમના નિધનથી દુઃખી છું.
ઈશ્વર તેમની આત્માને શાંતિ અર્પે.” ગિરીશના નિધન પર કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ પણ શોક વ્યક્ત કર્યો છે.ગિરીશે કર્ણાટક આર્ટ્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશ કર્યું હતું. આગળનો અભ્યાસ ઈંગ્લેન્ડમાં કર્યો હતો અને ત્યારપછી તેઓ ભારત પરત આવ્યા હતા. તેમણે ચેન્નાઈમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસમાં સાત વર્ષ સુધી કામ કર્યું હતું. પરંતુ થોડા સમય પછી રાજીનામું આપી દીધું હતું. ત્યારપછી તેઓ થિયેટરમાં કામ કરવા લાગ્યા હતા. ગિરીશ યુનિવર્સિટી ઓફ શિકાગોમાં પ્રોફેસર પણ રહી ચૂક્યા છે પરંતુ નોકરીમાં મન ન લાગતા તેઓ ફરી ભારત આવી ગયા હતા.
આ વખતે તેઓ સંપૂર્ણપણે ફિલ્મો અને સાહિત્ય સાથે જોડાઈ ગયા હતા.ગિરીશ કર્નાડની કન્નડ અને અંગ્રેજી ભાષા ઉપર સારી પકડ હતી. તેમણે કન્નડ ભાષામાં નાટક લખવાની શરૂઆત કરી હતી, તેનો પાછળથી અંગ્રેજીમાં પણ અનુવાદ કરવામાં આવ્યો હતો. તેમના નાટકોમાં ‘યયાતિ’, ‘તુગલક’, ‘હયદવદન’, ‘અંજુ મલ્લિગે’, ‘અગ્નિમતુ માલે’, ‘નાગમંડલ’ અને ‘અગ્નિ બરખા’ ખૂબ ચર્ચિત છે.ગિરીશ કર્નાડને 1992માં પદ્મ ભૂષણ, 1974માં પદ્મ શ્રી, 1972માં સંગીત નાટક એકેડમી પુરસ્કાર, 1992માં કન્નડ સાહિત્ય એકેડમી પુરસ્કાર, 1994માં સાહિત્ય એકેડમી પુરસ્કાર અને 1998માં તેમને કાલિદાસ સન્માન આપવામાં આવ્યું છે. 1978માં આવેલી ફિલ્મ ભૂમિકા માટે ગિરીશ કર્નાડને નેશનલ અવોર્ડ આપવામાં આવ્યો છે. તેમને 1998માં સાહિત્યના પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ પુરસ્કારથી પણ નવાઝવામાં આવ્યા છે.