અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુરક્ષામાં મોટા છીંડા બહાર આવ્યા છે. એરપોર્ટ પર બર્ડહિટની ઘટનાઓ તો અવારનવાર બનતી હોય છે, પણ હવે એક ગાય અમદાવાદ એરપોર્ટમાં ઘૂંસી ગઈ હતી. ગાય રનવે સુધી પહોંચી છતાં તેને કોઈએ અટકાવી કે બહાર કાઢી ન હતી. જો કે બાદમાં આ ઘટના અંગે જાણ થતાં એરપોર્ટ સત્તાવાળાઓએ ફ્લાઈટનું આવાગમન અટકાવી દઈને, ગાયને બહાર કાઢવા દોડધામ શરૂ કરી હતી.
રન વે પર ગાય પહોંચતા જ એરપોર્ટ સત્તાવાળાના જીવ અધ્ધર થઈ ગયા હતા અને  અમદાવાદ આવતી અને અમદાવાદથી ઉપડતી ફ્લાઈટ્સની મુવમેન્ટ અટકાવી દીધી હતી. ગાયને બહાર કાઢવા એરપોર્ટ ઓથોરિટીના સત્તાવાળાઓને ફાયર બ્રિગેડ અને CISFની મદદ લેવી પડી હતી.
આ ઘટના બુધવારે રાતે અઢી વાગે ઘટી હતી. ભારે જહેમત બાદ નીલગાયને બહાર કાઢવામાં સફળતા મળી હતી પરંતું તેના કારણે દોઢ કલાક સુધી એરપોર્ટ પર ટ્રાફિક વ્યહવાર ખોરવાઈ ગયો હતો. આ ઘટના અંગે એરપોર્ટ સત્તાવાળાઓએ તપાસના આદેશ આપી દીધાં છે.