અમદાવાદની વી.એસ હોસ્પિટલમાં બે મહિલાઓના મૃતદેહની અદલા-બદલી થયા હોવાની ઘટના સામે આવી છે. ગઈકાલે વીએસ હોસ્પિટલમાં કર્ણાટકની એક ગર્ભવતી મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાવળા હત્યાકેસમાં મૃત્યુ પામેલી મિત્તલ જાદવનો મૃતદેહ પણ વી,એસ હોસ્પિટલમાં હતો. સુત્રો મુજબ જાણવા મળ્યું છે કે કર્ણાટકની ગર્ભવતી મહિલા નસરીન સાથે મિત્તલ જાદવના મૃતદેહની અદલા-બદલીનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. આ મામલે પોલીસ અને પરિવારજનો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.
તેમજ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. ખરેખર મૃતદેહની અદલા-બદલી થઈ છે કે નથી તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. આ અંગે તંત્રના અધિકારીઓનું કહેવું છે કે નસરીન બાનુના મૃતદેહ સાથે મિત્તલ જાદવના મૃતદેહની અદલા-બદલી પટ્ટાવાલાની ભૂલ હોઈ શકે છે. આ કેસમાં ખાતાકીય તપાસ થશે. આ મામલે મળતી માહિતી પ્રમાણે ગઇકાલે વહેલી સવારે ગર્ભવતી મહિલા નસીબાનુને પ્રસુતિનું દુખ ઉપડતા હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતાં.
આ મૃતક મહિલાનાં સ્વજનો કર્ણાટકથી આવવાનાં હોવાને કારણે મૃતદેહને પોસ્ટમોર્ટમ કર્યા પછી કોલ્ડ સ્ટોરેજમાં જ રાખવામાં આવ્યો હતો. આજે બપોરે 3.30 કલાકે આ મુસ્લિમ પરિવારે મહિલાની અંતિમવિઘિ રાખી હતી. જેથી તેઓ નમાઝ અદા કરીને બપોરે 2.00 કલાકે મૃતદેહને લેવા આવતા મૃતદેહ ગાયબ થયાની જાણ થઇ હતી. જેના કારણે આખો પરિવાર રોષે ભરાયો હતો.મૃતક મહિલાનાં પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે, ‘બે દિવસ પહેલા બાવળામાં યુવતીની હત્યા થઇ હતી. જેનો મૃતદેહ પણ આ જ કોલ્ડસ્ટોરેજમાં છે. જેથી હોસ્પિટલની ઘોરબેદરકારીને કારણે બાવળાની યુવતીનાં મૃતદેહને બદલે અમારી દીકરીનો મૃતદેહ તેમના પરિવારને આપી દીધો છે.’