અમદાવાદના હોટેલ એસોસિએસન દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે મેકમાયટ્રીપ કે ગોઆઈબીબો જેવી ઓનલાઈન સાઈટ ઉપરથી શહેરમાં આવેલી હોટેલના રૂમ્સ બુક કરવામાં આવ્યા હોય તો મહેમાનોને તા. ૧ ડીસેમ્બરથી રૂમની ફાળવણી કરવામાં આવશે નહિ. જોકે, હોટેલ માલિકોએ એવી બાયધરી આપી છે કે મહેમાનોને કોઈ મુશ્કેલી નહી પડે, હોટેલના કાઉન્ટર પરથી તેમને રૂમની ફાળવણી કરી દેવામાં આવશે.
જાણવા મળતી વિગતો અનુસાર ઓનલાઈન બુકિંગ કંપનીઓએ પોતાનું કમીશન વધારતા, હોટેલના રૂમ્સના ટેરીફ ઘટાડી ડેટા હોટેલ માલિકો અને કંપનીઓને નુકસાન થઇ રહ્યું છે. આ અગાઉ હોટેલ એસોસિએસન વતી રજુઆતો થઇ હતી પણ ઓનલાઈન ટ્રાવેલ એજન્ટો (OTA) તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. “અત્યારસુધી ડિસ્કાઉન્ટ ૧૦થી ૧૫% હતું હવે OTA દ્વારા કમીશન વધારી ૨૫%થી ૪૦% કરવામાં આવ્યું છે. માત્ર હોટેલ ચેઈન્સ કે મોટી બ્રાંડની હોટેલમાં જ કમીશનનો દર ઓછો છે.
આ સિવાય OTA દ્વારા રૂમ ટેરીફમાં આપવામાં આવતા ઊંચા કમીશનને કારણે સ્પર્ધા વધી છે અને નાની અને મધ્યમ હોટલના માલિકોને નુકસાન સહન કરવાનો વારો આવે છે,” એમ ગુજરાત હોટેલ્સ એસોસિએસનના એક અધિકારીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ડીસેમ્બરથી સીઝન શરુ થઇ રહી છે એટલે અમે સીઝનમાં જ OTA સામે લડત શરુ કરી છે. “જોકે, આ સીઝન દરમિયાન બુકિંગ હોય એવા ગ્રાહકોને અમે ઓનલાઇન બુકિંગ કેન્સલ કરાવી એ જ ભાવે કાઉન્ટર પરથી બુકિંગ આપીશું જેથી તેમને કોઈ તકલીફ પડે નહિ. વધારામાં અમે શક્ય હોય ત્યાં સુધી નવા ઓનલાઈન બુકિંગ લેવાનું બંધ કરવાનું નક્કી કર્યું છે,” એમ તેમણે જણાવ્યું હતું. હોટેલ માલિકો અને સંચાલકોની શુક્રવારે એક મીટીંગ મળવાની છે જેમાં વધારાના નિર્ણયો અને આગામી દિવસોમાં OTA સામે કેવી રીતે લડત કરવી તેની દિશાન નક્કી કરવામાં આવશે.