14 નવેમ્બરથી કોંગ્રેસ ડોર ટુ ડોર જનસંપર્ક અભિયાન શરૂ કરશે. કોંગ્રેસની યોજના વધુમાં વધુ લોકો સુધી પહોંચવાની છે. આ યોજનાને કોંગ્રેસે ‘ઘર-ઘર કોંગ્રેસ’ નામ આપ્યુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસે ગુજરાતના લગભગ 1 કરોડ ઘર સુધી પહોંચવાનો ટાર્ગેટ રાખ્યો છે.   6 કરોડની વસ્તી ધરાવતા ગુજરાતમાં કુલ મતદાતાઓની સંખ્યા 4 કરોડ 33 લાખ છે. વાસ્તવમાં રાહુલ ગાંધીની મુલાકાતોને મળી રહેલી પ્રતિક્રિયા અને સફળતા તથા પોતાના ઈન્ટરનલ સર્વેમાં મળેલા સારા પરિણામોને જોતા કોંગ્રેસે મોટા પાયે લોકો સુધી પહોંચવાની યોજના બનાવી છે. આજે કોંગ્રેસના સેક્રેટરી અશોક ગહેલોત અને પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી અમદાવાદના નારણપુરા વિસ્તારથી આ અભિયાનને લીલી ઝંડી આપશે.  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 2012માં નારણપુરામાંથી જ ચૂંટણી લડીને જીત્યા હતા. આ અગાઉ શાહ સરખેજથી ચૂંટણી લડતા હતા અને ત્યાં સળંગ ચાર ચૂંટણીમાં તેમણે જીત મેળવી હતી. ગઈ ચૂંટણીમાં જ તેમણે પોતાની સીટ બદલી હતી. આવામાં કોંગ્રેસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના વિસ્તારમાંથી જ જન સંપર્ક અભિયાનની શરૂઆત કરવાનો નિર્ણય કરીને અમિત શાહને તેમના જ ઘરમાં ઘેરવાનો સંકેત આપ્યો છે. કોંગ્રેસનું આ અભિયાન આવતા એક અઠવાડિયા સુધી ચાલશે. આટલું જ નહિ, ગુજરાતમાં મેનિફેસ્ટોને લઈને કોંગ્રેસનું એક જનસંપર્ક અભિયાન ચાલી રહ્યું છે. આ અંતર્ગત સામ પિત્રોડા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વિવિધ સમુદાયોને મળીને તેમની સમસ્યા, તેમની ડિમાન્ડ અને તેમના સૂચનો સાંભળી રહ્યા છે. તેમના આધાર પર કોંગ્રેસ પોતાનો મેનિફેસ્ટો બનાવવા માંગે છે જેથી તે તેને ઘોષણાપત્રનું સ્વરૂપ આપી શકે.