અમિતાભ બચ્ચનનું ટ્વિટર હેન્ડલ સોમવારે હેક કરી લેવામાં આવ્યું હતું. હેકરે તેમના ટ્વિટર હેન્ડલની પ્રોફાઇલ તસવીર બદલીને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની તસવીર કરી દીધી હતી. તેની સાથે જ તેમની વિગતોમાં પણ ફેરફાર કરવામાં આવી હતી.
આ દરમિયાન અમિતાભના ટ્વિટર બાયોમાં લવ પાકિસ્તાન લખવામાં આવ્યું હતું. અત્યાર સુધી એ નથી જાણી શકાયું કે તેમનું ટ્વિટર હેન્ડલ કોણે હેક કર્યુ છે. જોકે, હેકિંગના થોડાક કલાક બાદ બિગ બીનું ટ્વિટર હેન્ડલ રિકવર કરી લેવામાં આવ્યું. હવે પ્રોફાઇલ પિકમાં અમિતાભ બચ્ચનની જ તસવીર જોવા મળી રહી છે.
આ સમગ્ર ઘટનાક્રમની પાછળ પાકિસ્તાન સમર્થિત હેકરનો હાથ હોવાનું કહેવાય છે. આ તમામ કામને ટર્કિશ હેકર ગ્રુપ આયલદિજ ટિમે અંજામ આપ્યો છે. એકાઉન્ટને હેક કર્યા બાદ આયલદિજ ટિમે અનેક મેસેજ બિગ બીના હેન્ડલથી કર્યા.
તેમાંથી પહેલા મેસેજમાં લખવામાં આવ્યું હતું કે આ દુનિયા માટે એક મહત્વપૂર્ણ સંદેશ છે. અમે આઇસલેન્ડ રિપબ્લિક તરફથી ટર્કિશ ફુટબોલર્સની સાથે કરવામાં આવેલા વ્યવહારની નિંદા કરીએ છીએ. અમે પ્રેમની ભાષા બોલીએ છીએ પરંતુ મોટા કામ કરીએ છીએ અને અહીં આપને જાણકારી આપી રહ્યા છીએ કે એક મોટો સાઇબર હુમલો થવા જઈ રહ્યો છે. આ આયલદિજ ટિમ ટર્કિશ સાઇબર આર્મી કરશે.
હેકર ગ્રુપે ત્યારબાદ પોતાના બીજા ટ્વિટમાં લખ્યું કે ભારતમાં રમઝાન દરમિયાન પણ મુસલમાનો પર હુમલા કરવામાં આવ્યા છે. આજના સમયમાં પણ ઉમ્માદ મુહમ્મદ પર આવા હુમલા કરવામાં આવી રહ્યા છે. આ સાઇબર હુમલા બાદ મુંબઈ પોલીસના પ્રવક્તાએ કહ્યું કે, અમારું સાઇબર યુનિટ અને મહરાષ્ટ્ર સાઇબરને આ સંબંધમાં જાણકારી આપવામાં આવી છે કે અમિતાભ બચ્ચનનું એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.