પર્યાવરણવાદી અને આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીને ગુરુવારે સીબીઆઈ કોર્ટે  આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટે  કુલ 60 લાખ 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે અને સાથે જ  ફરી ગયેલાં સાક્ષીઓ સામે કાર્યવાહી કરવાનો પણ  આદેશ આપ્યો છે. અમદાવાદની સિટી સિવિલ એન્જ સેશન્સ કોર્ટના કેમ્પસમાં સવારે તમામ દોષિતોને લાવવામાં આવ્યા હતા અને સીબીઆઇ કોર્ટે આ હત્યા કેસનો ચુકાદો આવ્યો હતો.

કોર્ટે 6 જૂલાઇએ સંભળાવેલા ચૂકાદામાં શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ અને દિનુ બોઘા સોલંકીને દોષિત જાહેર કર્યા હતા. અમિત જેઠવા કેસની સુનાવણીમાં પહેલા 155 અને બીજી વખત 27 સાક્ષી ફરી ગયા હતાં. સીબીઆઇ કેસની તપાસ હાથ ધરી પૂર્વ સાંસદ સહિત 7 આરોપી સામે ચાર્જશીટ કરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે તમામ દોષિતોને 50 લાખનો દંડ તમામ વચ્ચે કર્યો હતો અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં દિનુ સોલંકી અને શિવા સોલંકીને 15 લાખ રૂપિયા, ઉદાજી ઠાકોરને 25,000 રૂપિયા, બહાદુરસિંહ વાઢેરને 10 લાખ રૂપિયા અને, સંજય ચૌહાણને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો જેઠવાના પરિવારને 11 લાખ રૂપિયાની સહાય જાહેર કરવાનો કોર્ટે આદેશ આપ્યો છે.

જૂનાગઢના આરટીઆઇ એક્ટિવિસ્ટ 35 વર્ષીય અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ અમદાવાદમાં હાઇકોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પ્લેક્સ પાસે ગોળી મારી હત્યા કરાઈ હતી. કેસની સુનાવણી દરમિયાન 192 સાક્ષીમાંથી 155 સાક્ષી ફરી ગયા હતાં. મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતાં ભીખાભાઇ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાને રાખી હાઇકોર્ટે મહત્ત્વના 27 સાક્ષીને ફરી બોલાવ્યા હતા, જેમાં દિનુ બોઘાના ફાર્મ હાઉસના નોકર રામા આઝા સહિત 27 સાક્ષીઓની સીબીઆઇ કોર્ટમાં ફરીથી જુબાની લેવાઇ હતી. જેમાં પણ તેમણે પોતાની જુદી જુબાનીમાં આપી હતી.