યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)માં ૩૫ વર્ષનો ભારતીય શખસને અબુ ધાબીમાં લકી ટિકિટને લગતા ડ્રૉમાં એક કરોડ દિરહામ (અંદાજે ૧૯.૯૦ કરોડ રૂપિયા)નો જૅકપૉટ લાગ્યો છે, એવું યુએઇના એક જાણીતા અખબારના અહેવાલમાં જણાવાયું હતું.
આ યુવાનનું નામ ગુરપ્રીત સિંહ છે. તે મૂળ પંજાબનો છે અને શારજાહમાં ઇન્ફોટેક મૅનેજર તરીકે કામ કરે છે. તેણે ૧૨મી ઑગસ્ટે લકી ટિકિટ (નંબર ૦૬૭૭૫૭) ખરીદી હતી. ગુરુવાર, ૩ સપ્ટેમ્બરે તેને રૅફલ ડ્રૉના આયોજકો તરફથી કૉલ આવ્યો ત્યારે તેની સાથે કોઈક મજાક થઈ રહી હોવાનું તેને લાગ્યું હતું. તેણે પત્રકારોને કહ્યું, ‘હું બપોરે મારા કામમાં બિઝી હતો ત્યારે મને આ કૉલ આવ્યો હતો. મને તો મજાક જ લાગી હતી. બપોરે કોઈ કૉલ કરીને કહે કે તમને એક કરોડ દિરહામનું ઇનામ લાગ્યું છે તો એ માનવામાં આવે ખરું? મેં જાણ્યું કે ખરેખર મને જ જૅકપૉટ લાગ્યો છે ત્યારે મારી ખુશીની કોઈ સીમા નહોતી.’
ગુરપ્રીત સિંહે પત્રકારને કહ્યું હતું કે ‘હું ઇનામી રકમથી યુએઇમાં ઘર ખરીદીશ અને મારા માતા-પિતાને પંજાબથી અહીં લાવવાનો પ્રયત્ન કરીશ. હું દરરોજ ખુદને પૂછતો હતો કે નસીબની દેવી મારા પર ક્યારે પ્રસન્ન થશે? દેવી ખરેખર પ્રસન્ન થયાં છે. હવે હું મારા સપનાં પૂરાં કરીશ. લોકોને મારી સલાહ છે કે ઊંચા સપના જરૂર જોજો.’