અભિનેતા જેકી શ્રોફે કહ્યું હતું કે અમારી શોર્ટ ફિલ્મ શૂન્યતા અમેરિકી ફિલ્મ રસિકોએ ટિકિટ ખરીદીને જોઇ એ પણ મારી દ્રષ્ટિએ એક એવોર્ડ જ હતો. શૂન્યતાને લોસ એંજલ્સમાં બેસ્ટ ઑફ ઇન્ડિયા શોર્ટ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં હજારો એન્ટ્રી વચ્ચે એવોર્ડ પ્રાપ્ત થયો એના સંદર્ભમાં બોલતાં જેકીએ કહ્યું કે અમારા સૌનો પુરુષાર્થ ફળ્યો એનો અમને આનંદ છે. શૂન્યતા ફક્ત બાવીસ મિનિટની ફિલ્મ છે. ચિંતન શારદાએે એનું ડાયરેક્શન સંભાળ્યું હતું. લોસ એંજલ્સમાં ફક્ત એક થિયેટરમાં એક સપ્તાહ માટે ટિકિટ ખર્ચીને આ ફિલ્મ જોવાની વ્યવસ્થા કરાઇ હતી. ત્યારબાદ જ્યુરીએ આ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આપ્યો હતો. સુનીલ ખેડેકર અને ચિંતન શારદાએ સહનિર્માતા તરીકે આ ફિલ્મ બનાવી હતી અને શારદાએ કહ્યું હતું કે આખી ફિલ્મનું શૂટિંગ અમે રાત્રે કર્યું હતું. જેકી શ્રોફ સહિત તમામ કલાકારોએ અમને પૂરતો સહકાર આપ્યો હતો એ સિવાય આ એવોર્ડ અમે જીતી ન શક્યા હોત.