અમેરિકન એમ્બેસેડરે નોર્થ કોરિયાના સંદર્ભમાં વાતચીત કરવા માટે દક્ષિણ કોરિયાની મુલાકાત લીધી હતી. એ જ દિવસે નોર્થ કોરિયાએ બેલાસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. દક્ષિણ કોરિયાના દાવા પ્રમાણે નોર્થ કોરિયાએ મિસાઈલ પરીક્ષણ સિવાય અન્ય રહસ્યમય મિસાઈલ પણ લોંચ કરી હતી.
અમેરિકા અને નોર્થ કોરિયાના નેતાઓ વચ્ચે બે શિખર સંમેલનો થયા હતા. વિએટનામમાં નોર્થ કોરિયાના કિમ જોંગ ઉન અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી મુલાકાત અસફળ રહી પછી ફરીથી બંને દેશોના સંબંધોમાં તંગદિલી આવી છે.
પરમાણુ હથિયારોનું પરીક્ષણ ન કરવાની ખાતરી આપ્યા પછી હવે ફરીથી નોર્થ કોરિયાએ પરમાણુ પરીક્ષણો શરૃ કર્યા છે. નવેમ્બર-૨૦૧૭ પછી નોર્થ કોરિયાએ પરમાણુ પરીક્ષણો બંધ કર્યા હતા, પરંતુ છેલ્લાં દિવસોમાં અમેરિકાએ પ્રતિબંધો હટાવવાનો વાયદો પાળ્યો નથી એવું કારણ આગળ ધરીને ફરીથી પરમાણુ પરીક્ષણ કર્યું હતું.
એ ઘટનાના બીજા સપ્તાહમાં જ બે ટૂંકી રેન્જની મારક શક્તિ ધરાવતી બેલાસ્ટિક મિસાઈલોનું પરીક્ષણ કર્યાનું સામે આવ્યું છે. નોર્થ કોરિયા મુદ્દે વાતચીત કરવા માટે અમેરિકાના વિશેષ એમ્બેસેડર દક્ષિણ કોરિયાની રાજધાની સીઓલની મુલાકાતે આવ્યા છે, એ જ દરમિયાન જ નોર્થ કોરિયાએ બે બેલાસ્ટિક મિસાઈલોનું પરીક્ષણ કર્યું હતું. દક્ષિણ કોરિયાના લશ્કરે જણાવ્યું હતું કે નોર્થ કોરિયાના લશ્કરે બે બેલાસ્ટિક મિસાઈલોનું પરીક્ષણ કર્યું હતું તે સાથે અન્ય શંકાસ્પદ લશ્કરી એક્ટિવિટી પણ કરી હતી.
દક્ષિણ કોરિયાના દાવા પ્રમાણે નોર્થ કોરિયાએ શંકાસ્પદ મિસાઈલ લોંચ કરી હતી અને સરહદ નજીક લશ્કરી કવાયત પણ હાથ ધરી હતી. દક્ષિણ કોરિયાના લશ્કરે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ૨૭૦ કિલોમીટર અને ૪૨૦ કિલોમીટરની મારણ ક્ષમતા ધરાવતી બેલાસ્ટિક મિસાઈલનું પરીક્ષણ થયું તે પછી દક્ષિણ કોરિયા અને અમેરિકન લશ્કરે તેનું વિશ્લેષણ પણ કર્યું હતું.