અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખુલાસો કર્યો હતો કે તેમણે ચૂંટણી સંબધિત ખર્ચની ભરપાઇ કરવા માટે પોતાના અંગત વકીલ માઇકલ કોહેનને ૨,૫૦,૦૦૦ ડોલરની ચુકવણી કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રકમમાં એડલ્ટ ફિલ્મ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ચૂકવવામાં આવેલા ૧,૩૦,૦૦૦ ડોલર પણ સામેલ છે. ડેનિયલ્સે આરોપ મૂક્યો હતો કે તેમણે તે સમયે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની સાથે શારીરિક સંબધ બાંધ્યા હતાં. ટ્રમ્પે મંગળવારે ઓફિસ ઓફ ગવર્નમેન્ટ એથિક્સમાં નાણાકીય ખુલાસાનો ફોર્મ ભર્યો હતો. એજન્સીએ ફોર્મની સમીક્ષા કર્યા પછી ગઇકાલે તેને જાહેર કર્યો હતો. જો કે દસ્તાવેજમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું નથી કે ચૂકવણી કેવી રીતે કરવામાં આવી હતી. કોહેને અગાઉ જણાવ્યું હતું કે નવેમ્બર, ૨૦૧૬ના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પહેલા તેમણે ડેનિયલ્સને ૧,૩૦,૦૦૦ ડોલરની ચૂકવણી કરી હતી. જેથી તે ટ્રમ્પ સાથેના શારીરિક સંબધોની વાત જાહેર ન કરે. ટ્રમ્પે પણ કોહેનને આ રકમ ચૂકવી હોવાની વાત સ્વીકારી હતી. દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે કોહેનને આ ખર્ચ ભરપાઇ કરવા જણાવ્યું હતું અને ટ્રમ્પે ૨૦૧૭ સુધીમાં આ રકમની ભરપાઇ કરી દીધી હતી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ભારતમાં રિયલ એસ્ટેટ વેન્ચર્સમાંથી રોયલ્ટી પેટે કેટલીક રકમની આવક થઇ હતી. યુએસ ઓફિસ ઓફ ગવર્નમેન્ટ એથિક્સના જણાવ્યા અનુસાર ટ્રમ્પ પાસે ૧.૪ અબજ ડોલરની મિલકત અને ૪૫.૨ કરોડ ડોલરની આવક છે. ટ્રમ્પને મુંબઇની એક મિલકતમાંથી ૧૦ લાખ થી ૫૦ લાખ ડોલર અને કોલકાતાની એક મિલકતમાંથી એક લાખ થી ૧૦ લાખ ડોલરની આવક મળી હોવાનો અંદાજ છે. ટ્રમ્પને મુંબઇમાં ડીટી માર્ક્સ વરલી એલએલસીમાંથી રોયલ્ટી પેટે ૧૦ લાખ ડોલરથી ૫૦ લાખ ડોલર સુધીની આવક થઇ છે. આ ઉપરાંત કોલકાતામાં ડીટી ટાવર કોલકાતા એલએલસીમાંથી રોયલ્ટી પેટે એક લાખ ડોલરથી દસ લાખ ડોલર સુધીની આવક થઇ છે. આ ઉપરાંત ટ્રમ્પને ડીટી ટાવર, ગુડગાવ એલએલસી વેન્ચર્સમાંથી રોયલ્ટી પેટે ૨૦૧ ડોલરથી પણ ઓછી આવક થઇ છે. આ ઉપરાંત ટ્રમ્પના ભારતમાં અન્ય વેન્ચર્સ પણ છે. જેમાં ડીટી ઇન્ડિયા વેન્ચર મેનેજિંગ મેમ્બર કોર્પ, ડીટી ઇન્ડિયા વેન્ચર એલએલસી, ટ્રમ્પ માર્ક્સ મુંબઇ એલએલસી, ટ્રમ્પ માર્ક્સ મુંબઇ મેમ્બર કોર્પ, ડીટી માર્ક્સ પુણે એલએલસી, ડીટી માર્ક્સ પુણે મેનેજિંગ મેમ્બર કોર્પોરેશન, ડીટી માર્ક્સ પૂણે-૨ એલએલસી, ડીટી માર્ક્સ પૂણે-૨ મેનેજિંગ કોર્પોરેટ અને ડીટી ટાવર ગુડગાવ મેનેજિંગ મેમ્બર કોર્પોરેશનનો સમાવેશ થાય છે.