અમેરિકાની મલ્ટિનેશનલ ફાર્મા કંપની ફાઈઝરે બુધવારે, 9 જાન્યુઆરીએ કહ્યું હતું કે તે ચેન્નઈ અને ઔરંગાબાદ ખાતેના તેના બે પ્લાન્ટ બંધ કરી દેશે. તેની પ્રોડક્ટની માંગ ઘટવાને કારણે નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું હોવાનું કંપનીએ કારણ આપ્યું છે. આ બે પ્લાન્ટ બંધ થવાથી 1700 જેટલા કર્મચારીઓ બેકાર બનશે. ફાઈઝર તમિલનાડુમાં ચેન્નઈ નજીક ઈરુંગટ્ટુકોટ્ટઈ ખાતે પ્લાન્ટ ધરાવે છે, જેમાં અંદાજે 1000 કર્મચારીઓ કામ કરે છે અને મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતેના પ્લાન્ટમાં 700 કર્મચારીઓ કામ કરે છે. જોકે કંપનીએ પ્લાન્ટ ક્યારે બંધ કરશે તેનો ચોક્કસ સમય કે તારીખ હજી નક્કી નથી કર્યા.
ફાઈઝરે વર્ષ 2015માં અમેરિકા સ્થિત કંપની હોસ્પિરાને હસ્તગત કરી તેના ભાગરૂપે આ બે પ્લાન્ટ તેના હસ્તક આવ્યા હતા. ફાઈઝરના પ્રવક્તાએ કહ્યું હતું કે કંપનીએ આ બન્ને પ્લાન્ટનું ખાસ્સું મૂલ્યાંકન કર્યું અને તેના અંતે એવો નિષ્કર્ષ આવ્યો કે તેને લાંબા ગાળે ખાસ્સું નુકસાન થવાથી આ પ્લાન્ટ ચાલુ રાખવા પોસાય તેમ નથી. આથી તાત્કાલિક અસરથી તેમાં ઉત્પાદન બંધ કરી દેવાશે, જેથી 2019માં તેમાંથી એક્ઝિટ લઈ શકાય. ચોક્કસ તારીખ હજી નક્કી નથી કરી. કંપનીએ કહ્યું હતું કે આ બન્ને પ્લાન્ટ સંપૂર્ણ નિકાસલક્ષી છે અને ફાઈઝર ઈન્ડિયાને તે પ્રોડક્ટ સપ્લાય કરતી નથી.
ચેન્નઈ ખાતેના પ્લાન્ટમાં જેનરિક ઈન્જેક્ટેબલ સિફાલોસ્પોરિન, પેનિમ્સ, પેનિસિલિનનું ઉત્પાદન થાય છે જેનું અમેરિકા, યુરોપ સહિતના દેશોમાં વેચાણ થાય છે. મેક્સિપાઈમ બ્રાન્ડનું પણ ત્યાં ઉત્પાદન થાય છે. ઔરંગાબાદ યુનિટમાં પેનિમ્સ અને પેનિસિલિન માટેનો સપોર્ટ તૈયાર થાય છે. આ તમામ પ્રોડક્ટ્સનું ઉત્પાદન હવે બંધ થઈ જશે, કારણ કે તેમાં લાંબા ગાળાનું ખાસ્સું નુકસાન થઈ રહ્યું છે. આ પ્રોડક્ટ્સની માંગ ઘટી છે. ફાઈઝરના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી હતી કે આ પ્રોડક્ટ્સના ઉત્પાદન માટેના ઈક્વિપમેન્ટ્સ સહિત કોઈપણ પ્રકારનું ટ્રાન્સફર અન્યત્ર નહીં થાય. ઉલ્લેખનીય છે કે ફાઈઝર ભારતમાં કુલ પાંચ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ધરાવે છે અને કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે ભારત તેના માટે ઉત્પાદન માટેનું મહત્ત્વનું લોકેશન તો રહેશે જ.
આ બે પ્લાન્ટ બંધ કરવાથી કંપનીના અન્ય ત્રણ પ્લાન્ટ(ગોવા, વિશાખાપટ્ટનમ અને ગુજરાતમાં ઝાયડસ સાથે સંયુક્ત સાહસ)ની કામગીરી પર તેની કોઈ જ અસર નહીં થાય. વિશાખાપટ્ટનમમાં કંપનીના પ્લાન્ટનું હાલ વિસ્તરણ થઈ રહ્યું છે અને તેને ગ્લોબલ ટર્મિનલી સ્ટરિલાઈઝ્ડ મેન્યુફેક્ચરિંગ સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવામાં આવી રહ્યું છે. તે અમેરિકા અને કેનેડા સહિતના દેશોમાં નિકાસ માટેનું સેન્ટર બનશે તેમ પ્રવક્તાએ કહ્યું હતું.