અમેરિકાની એક કોર્ટે ભારતીયોને વીસા નીતિમાં ઝડપથી રાહત આપવાનો આદેશ આપ્યો છે. આ આદેશથી યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS)ને પ્રતિકુળ નીતિનો અમલ કરતા અટકાવાઈ છે. ઉક્ત નીતિમાં વિદેશી વિદ્યાર્થીઓ (તેમના આશ્રિત પતિ-પત્ની અને બાળકો સહિત)ને પણ તેમના સ્ટુડન્ટ સ્ટેટ્સમાં સ્હેજ પણ ફેરફાર થાય તો તેઓ અહીં ગેરકાયદે વસતા હોવાનું ગણવામાં આવે છે. કોર્ટે આપેલો આદેશ એટલા માટે મહત્ત્વનો છે કે, ગેરકાયદે હાજરી જેવો કાયદો એક નિશ્ચિત સમય માટે આવા લોકોને અમેરિકામાં ફરી પ્રવેશતા રોકી શકે છે. અમેરિકામાં અભ્યાસ કરી રહેલા બે લાખ ભારતીય વિદ્યાર્થીઓ માટે આ એક સાર સમાચાર છે. અમેરિકાથી જતા પહેલા કોઇપણ વ્યક્તિ અહીં 180 દિવસથી વધારે ગેરકાયદે રહે તો તેના પર ત્રણ વર્ષ સુધી અમેરિકામાં ફરી પ્રવેશ પર પ્રતિબંધ મુકી શકાય છે. અને અમેરિકામાં એકથી વધુ વર્ષ સુધી ગેરકાયદે રહેનાર વ્યક્તિને 10 વર્ષ સુધીના સમયગાળા માટે અમેરિકા ફરી પ્રવેશતા રોકી શકાય છે.
કોર્ટે આ આદેશ 3 મેના રોજ આપ્યો હતો. ગિલફર્ડ કોલેજ, ધ ન્યૂ સ્કૂલ અને અન્ય સ્કૂલોએ આ કરેલી એક અરજીની સુનાવણીમાં આ આદેશ કોર્ટે કર્યો હતો. પીટીશન પછી તુરત જ મેયર બ્રાઉનમાં પાર્ટનર અને કેસના સહકન્સલ્ટન્ટ પોલ હ્યુએ જણાવ્યું હતું કે, આ અરજીનો હેતુ વિદેશી વિદ્યાર્થીઓના અધિકારો સુરક્ષિત કરવાનો છે. તેમણે કહ્યું કે, નવી USCIS નીતિથી બે દાયકાથી પણ જૂની ઇમિગ્રેશનની પ્રક્રિયા પ્રદૂષિત કરી છે, તે અયોગ્ય અને ગેરકાયદે છે. આ કેસ USCISની એ નીતિ (જેનો અમલ અત્યારે કોર્ટે અટકાવ્યો છે) સંબંધી છે, જે 9 ઓગસ્ટ 2018ના રોજ લાગુ કરાઈ હતી. તેની જોગવાઈઓ હેઠળ વીસાનો સમય પૂર્ણ થતાં જ વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકામાં રહે તો તેમને ગેરકાયદે ઠેરવવામાં આવશે.
અગાઉના નિયમ મુજબ વીસાનો સમય પૂર્ણ થતો હોવા છતાં વિદ્યાર્થીઓ 6 મહિના સુધી અમેરિકામાં રહી શકતા હતા. તે ઉપરાંત નાની અને સામાન્ય, વહિવટી ભૂલોના કારણે પણ વિદ્યાર્થીઓને નુકશાન નવી નીતિ હેઠળ થવાનું જોખમ રહે છે. કેટલાક કિસ્સાઓમાં તો ભૂલ સ્કૂલ કે કોલેજની હોય તો પણ ભોગવવાનું વિદ્યાર્થીને આવે છે.