અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા એડવાઈઝરી જાહેર કરીને પોતાના નાગરિકોને ભારે વરસાદ અને પૂરની ભયાવહ પરિસ્થિતિ સામે ઝઝૂમી રહેલા કેરળ રાજ્યની મુલાકાતે નહીં જવાની સલાહ આપી છે. અમેરિકાની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમી મોનસૂનને કારણે ભારતના કેરળ રાજ્યમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ થઈ રહી છે.

તેવામાં અમેરિકાના નાગરિકોએ કેરળના તમામ અસરગ્રસ્ત વિસ્તારોના પ્રવાસથી દૂર રહેવું જોઈએ. બુધવારે રાત્રે ભારે વરસાદને કારણે ઈડુક્કી જિલ્લા અને ઉત્તર ક્ષેત્રમાં ઘણાં સ્થાનો પર ભૂસ્ખલન થયું અને તેમા 26 લોકોના મોતના અહેવાલ છે. કેરળના ઈડુક્કી, કોઝિકોડ અને મલ્લાપુરમ સૌથી વધુ અસરગ્રસ્ત છે.

કેરળના મુખ્યપ્રધાન પિનરાયી વિજયને સ્થિતિને ઘણી વિકટ ગણાવી છે. અધિકારીઓએ જણાવ્યુ છે કે સેના અને રાષ્ટ્રીય આફત નિવારણ દળને ઈડ્ડુક્કી, કોઝિકોડ, વાયનાડ અને મલપ્પુરમ જિલ્લાના પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને અભિયાનમાં વહીવટી તંત્રના સહયોગ માટે તેનાત કરવામાં આવ્યા છે. કોચ્ચિ એરપોર્ટ પર પણી ઘૂસી ગયા છે.

કેરળમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મુખ્યપ્રધાન પી. વિજયન સાથે વાતચીત કરી છે. કેરળ આફત નિયંત્રણ કક્ષના સૂત્રો મુજબ.. વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે કેરળમાં થયેલા 26 મોતમાંથી 17 જણાના જીવ ઈડુક્કી અને મલપ્પુરમ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે ગયા છે. ભારે વરસાદને કારણે કેરળમાં નદીઓના પ્રવાહ ઘણાં તેજ બન્યા છે. તેને કારણે કેરળના 24 બંધોના દરવાજા ખોલવામાં આવ્યા છે.

એશિયાના સૌથી મોટા અર્ધચંદ્રાકાર બંધ ઈડુક્કી જળાશયમાંથી પાણી છોડવામાં આવતા પહેલા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેરળ સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં ગત બે દિવસોમાં દશ હજારથી વધુ લોકોને 157 રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યો છે. કેરળ સરકારના અનુરોધ પર 75 હજાર ક્યૂસેક પાણી કાબિની જળાશયમાંથી છોડવામાં આવ્યું છે. પીડિત લોકોને તાત્કાલિક રાહત પહોંચાડવા માટે દશ કરોડ રૂપિયાની રાહત સામગ્રી અને તબીબોની ટીમ રવાના કરવામાં આવી છે.

એક સમીક્ષા બેઠક બાદ કેરળના મુખ્યપ્રધાન પી. વિજયને કહ્યુ છે કે પૂરની સ્થિતિ ઘણી ભયાનક છે અને રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર 24 બંધોને એક સાથે ખોલવામાં આવ્યા છે.. આ બંધોનું જળસ્તર તેની મહત્તમ સીમા પર પહોંચી ગયું હતું અને તેને કારણે તેના દરવાજા ખોલવામાં આવ્યા છે. ઈડુક્કી જળાશયના ચેરુથોની બંધને 26 વર્ષો બાદ ખોલવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ મામલે રાજ્યના મુખ્યપ્રધાન પી. વિજયન સાથે વાતચીત કરી છે અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ કરવાની પેશકશ પણ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયન સાથે વાતચીત કરી અને રાજ્યના જુદાંજુદાં વિસ્તારોમાં પૂરથી પેદા થયેલી સ્થિતિ પર ચર્ચા કરી છે. તેમણે અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ કરવાની પેશકશ કરી છે. તેઓ આ આફતના સમયમાં કેરળના લોકો સાથે ખભેખભો મિલાવીને ઉભા છે.

કેરળમાં 24 કલાકમાં 337 ટકા વરસાદ નોંધાયો છે. સરેરાશ 13.9 મિલિમીટર વરસાદ થતો હતો. પરંતુ 66.2 મિલિમીટર વરસાદ 24 કલાકમાં નોંધાયો છે. બચાવ કાર્યમાં એસડીઆરએફ, એનડીઆરએફ, આર્મી, નેવી અને કોસ્ટકાર્ડના જવાનોને રાહત અને બચાવ કામગીરી સંદર્ભે તેનાત કરવામા આવ્યા છે.