ગભરાયેલા ભારતીય વિદ્યાર્થીઓના સંખ્યંબંધ ફૉન કૉલ વચ્ચે વિખ્યાત ભારતીય અમેરિકન વકીલે મંગળવારે આક્ષેપ કર્યો હતો કે ડિપાર્ટમેન્ટ ઑફ હૉમલૅન્ડ સિક્યોરિટીએ જાણીજોઈને બનાવટી યુનિવર્સિટીઓની સ્થાપના કરવાની પરવાનગી આપી હતી અને હજારો માઈલ દૂર અન્ય દેશમાં બેઠેલા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોર્યા હતા.

ડિપાર્ટમેન્ટ ઑફ હૉમલૅન્ડ સિક્યોરિટી દ્વારા સ્થાપવમાં આવેલી બનાવટી યુનિવર્સિટીમાં નામની નોંધણી કરાવવા બદલ દેશનિકાલ કરવાની સંભાવના અને સામૂહિક અટકાયત માટે ભારતીય વિદ્યાર્થીઓને દોષી જાહેર કર્યાના એક દિવસ બાદ કૅલિફૉર્નિયાસ્થિત ઈમિગ્રેશન ઍટર્ની અનુ પેશાવરિયાએ કહ્યું હતું કે ગુપ્ત રીતે કરવામાં આવેલી આ કાર્યવાહીની સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ પર વિનાશક અસર થશે.

અમે એમ નથી કહેતા કે આમાં ભારતીય વિદ્યાર્થીઓનો કંઈ જ વાંક નથી. સહી કરતા પહેલા તેમણે યોગ્ય ચકાસણી કરી લેવી જોઈતી હતી. જો તેમણે જાણીજોઈને ગુનો કર્યો હોય તો તેમને સજા થવી જ જોઈએ, પરંતુ જો તેમને ફસાવવામાં આવ્યા હોય કે ગુનો કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હોય તો અમારે તેમની મદદ કરવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

અમેરિકાના ઈમિગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ દ્વારા ગયા અઠવાડિયે પૂરા પાડવામાં આવેલા આંકડાઓ મુજબ ગયા અઠવાડિયે યુનિવર્સિટી ઑફ ફર્મિન્ગટનના 600 વિદ્યાર્થીમાંથી અટકાયતમાં લેવામાં આવેલા 130માંથી 129 વિદ્યાર્થી ભારતીય હતા.

તેમણે કહ્યું હતું કે અનેક વિદ્યાર્થીઓને એ ચિંતા અને ડર છે કે ધરપકડનું લાંછન તેમના માથે લાગી ગયું હોવા ઉપરાંત તેમણે તેમનું શૈક્ષણિક વર્ષ પણ ગુમાવ્યું છે.