અમેરિકાના ટેક્સાસમાં એક એપાર્ટમેન્ટમાં એક દંપતીની લાશ પોલીસને મળી છે. આ ઘટનાની જાણ થતાં સોમવારે સવારે 6 કલાકે પોલીસ ત્યાં પહોંચી હતી. હત્યા અને આપઘાતની આ ઘટનામાં તપાસ ચાલી રહી હોવાનું સુગર લેન્ડ પોલીસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે. પોલીસને પેન્ડરગ્રાસ અને શેફિલ્ડ કોર્ટના ઘરમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ લાશ 51 વર્ષના શ્રીનિવાસ નાકીરેકાન્તિ અને તેની 46 વર્ષની પત્ની શાંતિ નાકીરેકાન્તિની છે. શાંતિના માથામાં ગોળી વાગેલી હતી, જ્યારે શ્રીનિવાસની લાશ બેડરૂમમાંથી મળી હતી. તેની છાતીમાં ગોળી વાગેલી હતી અને તેની બાજુમાં બંદુક પડેલી હતી.
પોલીસે પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું હતું કે, શ્રીનિવાસે પહેલા શાંતિની હત્યા કરી હતી અને પછી પોતે આપઘાત કર્યો હોવાનું જણાય છે. સત્તાવાળાઓના જણાવ્યા મુજબ ગોળી મારવાની આ ઘટના બની ત્યારે તેમની 16 વર્ષની પુત્રી ઘરમાં એકલી સુતી હતી. પોલીસ તેના ઘરે આવી ત્યારે તેણે દરવાજા પર જણાવ્યું કે તેના પિતા બેડરૂમમાંથી બહાર આવતા નથી. પુત્રીને કોઇ ઇજા નહોતી થઇ, તેની સંભાળ તેના મિત્રો રાખી રહ્યા છે, તેવું સુગર લેન્ડ સિટી પ્રવક્તા ડગ એડોલ્ફે જણાવ્યું હતું. આ દંપતીના મિત્રોએ જણાવ્યું હતું કે, તેમને 21 વર્ષનો એક દીકરો પણ છે, જે યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં અભ્યાસ કરે છે.
હત્યા અને આપઘાતની આ ઘટનામાં અન્ય રહેવાસીઓ પર કોઇ જોખમ નથી અને પોલીસને અન્ય કોઇ શંકાસ્પદ સ્થિતિ જોવા મળી નથી, આ ઉપરાંત ઘરેલું હિંસાનો પણ કોઇ મામલો નથી. દંપતીના મિત્રોને શ્રીનિવાસે તે દિવસે એક ઇમેઇલ પણ કર્યો હતો, પરંતુ પોલીસે તેની વિગતો જાહેર કરવાની મનાઇ ફરમાવી હતી. દંપતીના નજીકના લોકોએ જણાવ્યું હતું કે, શ્રીનિવાસ હ્યુસ્ટનમાં એક એનર્જી કંપનીમાં ડાયરેક્ટર છે, જ્યારે શાંતિ કોમ્પ્યુટર પ્રોગ્રામર હતી, અને તેમની વચ્ચે કોઇ વિવાદ હોય તેવું તેમની જાણમાં નથી. આ બંને તેમના મિત્રો અને સમુદાયમાં ખૂબ જ જાણીતા હતા. તેઓ ચેરિટેબલ સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતા.