અમેરિકામાં દક્ષિણ કેલિફોર્નિયા ખાતે શુક્રવારે રાત્રે શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.1 હોવાનું યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજીકલ સર્વેએ જણાવ્યું હતું. આ ભૂકંપ તાજેતરમાં આવેલા આંચકાઓની હારમાળામાં વધુ એક રહ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા 20 વર્ષમાં દક્ષિણ કેલિફોર્નિયા ખાતેનો આ સૌથી શક્તિશાળી ભૂકંપ રહ્યો છે.

એક દિવસ પૂર્વે પણ આ જ વિસ્તારમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું જણાવાયું હતું. તાજેતરમાં દરરોજ ભૂકંપના આંચકા આવી રહ્યા હોવાથી સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રીજક્રેસ્ટ વિસ્તાથી 11 માઈલના અંતરે હોવાનું જણાયું છે. કર્ન કાઉન્ટીના ફાયર અધિકારીઓએ ભૂકંપને પગલે કેટલાક સ્થળે આગ તેમજ કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું જણાવ્યું હતું જો કે તેમણે ચોક્કસ વિગતો આપવા ઇન્કાર કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ સાન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જલમાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. લગભગ અડધી મિનિટ સુધી ધરા ધ્રૂજી હોવાનું લોકોએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું. યુએસજીએસના મતે મેક્સિસો સુધી ધરા ધ્રૂજી હતી. વિતેલા 34 કલાકમાં મધ્ય કેલિફોર્નિયામાં અત્યાર સુધીમાં 14 ભૂકંપા આંચકા અનુભવાયા છે.