અમેરિકાના વૉશિંગ્ટનમાં સોમવારે સવારે ભારે વરસાદના કારણે સડકો અને રેલવે લાઇન પર પાણી ભરાયાં હતાં અને રાબેતા મુજબનું જનજીવન ઠપ થઇ ગયું હતું. રાજધાનીના મોટા ભાગના વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાતાં અંધારપટ છવાઇ ગયો હતો. ખુદ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્શનમાં પણ અંધારપટ છવાયેલો હતો એમ ટ્વીટર પર મૂકાયેલા સંદેશામાં જણાવાયું હતું.
મિડિયા રિપોર્ટ મુજબ વૉ઼શિંગ્ટન ઉપરાંત વર્જિનિયા અને કોલંબિયામાં પણ વરસાદે કાળો કેર વર્તાવ્યો હતો. યુએસ નેશનલ રેલ-રોડ પેસેંજર કોર્પોરેશને સાઉથ વૉશિંગ્ટનમાં રેલવે સેવા બંધ કરી દીધી હતી. આવું કેટલા દિવસ સુધી ચાલશે એ કહી શકાય એમ નથી. સદ્ભાગ્યે કોઇ જાનમાલની હાનિના સમાચાર આવ્યા નહોતા.
વ્હાઇટ હાઉસના બેઝમેન્ટમાં જ્યાં પત્રકારોની બેઠકો આવેલી છે ત્યાં પણ પાણી ભરાઇ ગયાં હતાં અને મોસમ વિભાગે મેટ્રો સેક્ટરમાં ઇમર્જન્સી જાહેર કરી હતી. આ તમામ વિસ્તારોના એરપોર્ટ પર પણ ભારે નુકસાન થયું હોવાના અહેવાલો હતા. જ્યોર્જ વૉશિંગ્ટન પાર્ક વેના એક વિસ્તારને અને નોર્થવેસ્ટ વૉશિંગ્ટનના કેટલાક વિસ્તારોને સંપૂર્ણપણે બંધ કરી દેવાની ફરજ પડી હતી.