અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર રોબર્ટ ઓ’ બ્રાયનના જણાવ્યા મુજબ અમેરિકાના રાજકારણ અને ખાસ તો પ્રેસિડેન્ટની ચૂંટણીમાં મોટાપાયે અસર કરવાની ચીન તૈયારી કરી રહ્યું છે. ચીનની આ રમતમાં રશિયા અને ઇરાન પણ સામેલ છે. 2016માં પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઇ હતી ત્યારે રશિયા પર એવા આરોપ મૂકાયા હતા કે તેણે ફક્ત ચૂંટણીને જ અસર નહોતી કરી પણ ટ્રમ્પને પણ મદદ કરી હતી.
મીડિયા સાથેની ચર્ચા દરમિયાન રોબર્ટે જણાવ્યું હતું કે, ઇન્ટેલિજન્સ કમિટીએ ચૂંટણી અંગે ઘણી સ્પષ્ટ વાતો કરી છે, જેમાં સૌથી પ્રથમ ચીનનું નામ આવે છે. તેણે આપણી ચૂંટણીને પ્રભાવિત કરવા માટે સૌથી મોટો કાર્યક્રમ બનાવ્યો છે, જે અમેરિકાના રાજકારણ પર અસર કરવા ઇચ્છે છે. ત્યારબાદ ઇરાન અને રશિયાનું નામ આવે છે. આ ત્રણેય દેશ આપણી ચૂંટણીમાં અવરોધ ઇચ્છે છે. આપણી ચૂંટણીને પ્રભાવિત કરવા મોટાપાયે સાયબર પ્રવૃત્તિ થઇ રહી છે. પરંતુ સ્પષ્ટતા કરું છું કે, અમેરિકા આ અંગે બધું જાણે છે અને તેને નિવારવા માટે તમામ તૈયારી કરી છે. આપણે આ પ્રકારના ષડયંત્રો નિષ્ફળ બનાવવા સક્ષમ છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે અગાઉ પણ ચીન, રશિયા અને ઇરાનને ચેતવણી આપી છે. આજે ફરીથી ચેતવી રહ્યા છીએ કે તેમણે અમેરિકાના રાજકારણ અને ચૂંટણીમાં દખલ કરી તો તેમણે ગંભીર પરિણામ ભોગવવું પડશે.
એક સવાલના જવાબમાં રોબર્ટે જણાવ્યું કે, 40 વર્ષથી આપણે ચીન અંગે સાચી વિદેશ નીતિ બનાવી શક્યા નથી અને તેનું નુકસાન ભોગવી રહ્યા છીએ. આપણે તેમની સૈન્ય પ્રવૃત્તિને નજરઅંદાજ કરી. તેઓ આપણા આઇપી એડ્રેસ અને બિઝનેસ સીક્રેટ ચોરી કરતા રહ્યા. તેઓ આજે આપણા મિત્રો અને પડોશીઓને ધમકાવે છે. ટ્રમ્પે ચીન અંગે સખ્ત વલણ અપનાવ્યું છે. ત્યાં માનવાધિકારની હાલત ખૂબ જ ખરાબ છે.
હકીકતમાં ઓગસ્ટમાં યુએસ નેશનલ કાઉન્ટર ઇન્ટેલિજન્સ એન્ડ સિક્યોરિટી સેન્ટર ખાતે મીટિંગ થઇ હતી. તેના ડાયરેક્ટર વિલિયમ ઇવાનિનાએ ત્યારે જણાવ્યું હતું કે, ચીન ઇચ્છે છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ આ ચૂંટણી હારી જાય, જ્યારે રશિયા ઇચ્છે છે કે બિડેન હારે.