ઈરાને પોતાની હવાઈ સરહદમાં ઉડતું મનાયેલું અમેરિકાનું લશ્કરી ડ્રોન ગુરૂવારે (20 જુન) તોડી પાડ્યા પછી સરકારના તાકિદના આદેશોના પગલે અમેરિકાની યુનાઈટેડ એરલાઈન્સે ઈરાનની હવાઈ સરહદ ઉપર થઈને જતી-આવતી મુંબઈ – નેવાર્ક ફલાઈટ અનિશ્ચિત મુદત પુરતી સસ્પેન્ડ કરી દીધી છે.

ઈરાનના રીવોલ્યુશનરી ગાર્ડ્ઝ દ્વારા ગુરૂવારે ડ્રોન તોડી પડાયાના પગલે બન્ને દેશો વચ્ચે તંગદિલીમાં વધારો થયો છે. આ ઘટના પછી અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) દ્વારા તાકિદે એવા આદેશો અપાયા હતા કે અમેરિકાની બધી જ એરલાઈન્સની ઈરાનની હવાઈ સીમા ઉપરથી પસાર થતી તમામ ફલાઈટ્સ હાલમાં પ્રતિબંધિત રહેશે.

આ આદેશ પછી થોડીવારમાં અગ્રણી અમેરિકન એરલાઈન યુનાઈટેડ એરલાઈને તેના રૂટ ઉપર સુરક્ષા સંબંધી ચિંતાના કારણે ભારતના મુંબઈથી નેવાર્કની ફલાઈટ હાલ પુરતી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી દીધી હતી. એરલાઈનના જણાવ્યા મુજબ તેણે આ નિર્ણય લેતાં પહેલા સુરક્ષા સંબંધી સ્થિતિની ઝીણવટપૂર્વકની સમિક્ષા કરી હતી. આ અગાઉ, ભારતે પાકિસ્તાન ઉપર કરેલી સર્જીકલ સ્ટ્રાઈક પછી યુનાઈટેડ એરલાઈન્સની જ નવી દિલ્હી થી નેવાર્કની ફલાઈટ સસ્પેન્ડ કરાઈ હતી. પાકિસ્તાની પોતાની હવાઈ સરહદમાં વિદેશી વિમાની સેવાઓ માટે પ્રતિબંધ ફરમાવ્યાના કારણે એ નિર્ણય લેવાયો હતો.

આ રીતે, હાલમાં ભારત અને અમેરિકા વચ્ચે ફક્ત ભારતની સરકારી માલિકીની ફક્ત એર ઈન્ડિયાની જ સીધી ફલાઈટ્સ ભારત – અમેરિકા વચ્ચે ચાલે છે. બે દેશો વચ્ચેની લશ્કરી તંગદિલીના પગલે ત્યાં થઈને પસાર થતી સિવિલિયન ફલાઈટ્સ ઉપર પણ જોખમ ઉભું થાય છે.

આવા બે કિસ્સામાં 1983માં કોરીઅન એરની એક પેસેન્જર ફલાઈટને રશિયાએ પોતાની હવાઈ સરહદમાં ફૂંકી મારી હતી, તો તાજા કિસ્સામાં 2014માં સંદિગ્ધ રશિયન હુમલામાં મલેશિયન એરલાઈન્સની ફલાઈટ તોડી પાડવામાં આવી હતી. બન્ને કિસ્સામાં પેસેન્જર વિમાનોને લશ્કરી વિમાનો ગણી ઉડાવી દેવાયા હતા.