અમેરિકામાં ઠંડીના કેરે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહ – ફેબ્રુઆરીના આરંભે (30 જાન્યુઆરીથી 02 ફેબ્રુઆરી દરમિયાન) કેર વર્તાવ્યો હતો. દેશના આઠ રાજ્યોમાં ઓછામાં ઓછા 29 માણસો ઐતિહાસિક ઠંડીમાં મૃત્યુ પામ્યા હતા તો જનજીવન તદ્દન ખોરવાઈ ગયું હતું. સરકારે પણ લોકોને ઘરની બહાર નહીં નિકળવા ચેતવણી આપી હતી.
મિડ વેસ્ટ તરીકે ઓળખાતા મધ્ય પશ્ચિમ અમેરિકાના મિશિગન, આયોવા, ઇન્ડિયાના, ઇલિનોઇ, વિસ્કોન્સિન અને મિનેસોટામાં પોલાર વોર્ટેક્સ તરીકે ઓળખતા અતિ કાતિલ ઠંડીના મોજાના કારણે આ વિસ્તારોમાં ટેમ્પરેચર માઈનસ 30 થી માઈનસ 50 સુધી નીચું ઉતરી ગયું હતું. શિકાગોમાં તમામ શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે.
પોલાર વોર્ટેક્સના પરીણામે ભીષણ બરફ વર્ષા થતાં અનેક રાજ્યોમાં લોકો ઠુંઠવાઈ ગયા હતા. બુધવારે એક ૧૮ વર્ષીય જિરાલ્ડ બેલ્ઝ નામનો યુવક માઈનસ ૫૧ ડિગ્રી ઠંડીમાં થીજી ગયો હોવાનો રિપોર્ટ છે. સેંકડો લોકોને ફ્રાેસ્ટ બાઈટ અને હાઈપો થર્મીઆની અસર થતાં સારવાર આપવી પડી હતી.
તો સોમવારથી નવા સપ્તાહના આરંભે હવામાન ખાતાએ આપેલી ચેતવણી મુજબ કાતિલ ઠંડીનો એ ગાળો પુરો થયા પછી હવે ટેમ્પરેચર વંસત ઋતુ જેવું, માઈનસમાંથી ઉંચું જઈને 30 ડીગ્રી સુધી પહોંચી જવાની પણ શક્યતા છે. માઈનસ 30 થી માઈનસ 55 ડીગ્રી જેટલી કાતિલ ઠંડી આટલી ઝડપથી વિદાય લે અને ફરી ગરમીનો અહેસાસ થાય તે પણ એક પ્રકારે આસાધારણ વાતાવરણ જ ગણાય.