Ambassador Harsh Vardhan Shringla speaking at his welcome reception at the U.S.-India Business Council on 15 January 2019.

ભારતના અમેરિકામાં નવા નિમાયેલા એમ્બેસેડર હર્ષ વર્ધન શ્રીંગલાને આવકારવા યુનાઈટેડ સ્ટેટ્સ – ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC) દ્વારા ગયા સપ્તાહે (15) વોશિંગ્ટનમાં એક સત્કાર સમારંભનું આયોજન કરાયું હતું. અમેરિકન કોંગ્રેસના સભ્યો, અમેરિકન સરકારના વરિષ્ઠ અધિકારીઓ, અમેરિકન કંપનીઓના પ્રતિનિધિઓ, ઔદ્યોગિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મીડિયાના પ્રતિનિધિઓએ પણ આ સત્કાર સમારંભમાં હાજરી આપી હતી.

એકત્ર થયેલા લોકોને સંબોધન કરતાં શ્રીંગલાએ કહ્યું હતું કે, તાજેતરના વર્ષોમાં ભારત અને અમેરિકાના સંબંધોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. બન્ને દેશોના વ્યૂહાત્મક તેમજ વેપારી હિતોના કન્વર્જન્સ (એકાભિમુખતા) આ પરિવર્તનના મૂળમાં રહેલી છે. વેપાર તથા આર્થિક ક્ષેત્રો, સલામતી અને સંરક્ષણ સંબંધો, ઉર્જા તથા વિજ્ઞાન અને ટેકનોલોજી સહિત અનેક મોરચે ભારત અને અમેરિકા વચ્ચે બહુમુખી સહકારનો વ્યાપ સતત વધતો રહ્યો હોવાનું જણાવતાં તેઓએ વધુમાં એમ પણ કહ્યું હતું કે, 2017માં બન્ને દેશો વચ્ચેના વેપાર સંબંધોએ નવા શિખરો સર કર્યા હતા અને દ્વિપક્ષી વેપાર $ 126 બિલિયનનો થયો હતો.

તેમણે એ વાતનો સંતોષ વ્યક્ત કર્યો હતો કે વિતેલા વર્ષમાં, 2018માં પણ સંબંધોમાં વૃદ્ધિની ગતિ જળવાઈ રહી હતી. એમાં પેટ્રોલિયમ, એલએનજી તથા નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટે નવા વિમાનોની ખરીદીએ એક નવું પરિમાણ ઉમેર્યું હતું અને 2019 અને પછીના વર્ષોમાં પણ આ સહયોગ વધતો રહેશે એવો દ્રઢ આત્મવિશ્વાસ નવા એમ્બેસેડરે દર્શાવ્યો હતો.

શ્રીંગલાએ યુએસ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ અને સીઈઓ થોમસ જે. ડોનોહ્યુ તથા USIBCના પ્રેસિડેન્ટ મિસ નિશા બિસ્વાલ સાથે મુલાકાત પણ કરી હતી.

USIBCની સ્થાપના 1975માં કરવામાં આવી હતી અને હાલમાં 300થી વધુ કંપનીઓ તેનું સભ્યપદ ધરાવે છે. તેનો ધ્યેય બન્ને દેશોના ખાનગી ક્ષેત્રનો પરસ્પર સહયોગ સાધી પરસ્પર મૂડીરોકાણનો પ્રવાહ વધારવા તેમજ બિઝનેસીઝ અને સરકારના નેતાઓ વચ્ચે એક સીધી કડી તરીકે કામ કરવાનો છે.