અમેરિકાના ફિલાડેલ્ફીઆમાં ગુરૂવારે સવારે એક નાનું પ્લેન તૂટી પડતાં તેમાં મુસાફરી કરી રહેલા એક ભારતીય અમેરિકન ડોક્ટર કપલ – 60 વર્ષના ડો. જસવીર ખુરાના, તેમના પત્ની, 54 વર્ષના ડો. દિવ્યા ખુરાના તથા તેમની પુત્રી કિરણનું મોત નિપજ્યું હતું. આ કપલની એક બીજી પુત્રી તેમની સાથે આ પ્લેનમાં નહોતી.
સ્થાનિક અખબાર ફિલાડેલ્ફીઆ ઈન્ક્વાયરરના અહેવાલ મુજબ સત્તાવાળાઓએ કહ્યું હતું કે, ડો. ખુરાના પોતે પ્લેન ચલાવતા હતા અને તેઓ એક લાયસન્સ્ડ પાયલટ હતા, પ્લેન પણ તેમની માલિકીનું, તેમના નામે નોંધાયેલું હતું.
44 વર્ષ જુના આ પ્લેનના માલિક, ડો. જસવીર અને તેમના પત્ની ડો. દિવ્યાએ ભારતમાં મેડિકલ અભ્યાસ કર્યો હતો અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સીઝમાં ટ્રેઈનિંગ લીધા પછી 20 વર્ષ કરતાં વધુ સમય પહેલા અમેરિકા આવી વસ્યા હતા.
પ્લેન સવારે 6 વાગ્યા પછીની થોડી મિનિટોમાં નોર્થઈસ્ટ ફિલાડેલ્ફીઆ એરપોર્ટથી રવાના થયું હતું અને કોલમ્બસમાં ધી ઓહાયો સ્ટેટ યુનિવર્સિટી એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. જો કે રવાના થયાની માંડ ત્રણેક મિનિટ પછી આ સિંગલ એન્જિન બીચક્રાફટ બોનાન્ઝા પ્લેન તૂટી પડ્યું હતું. પ્લેન રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું હોવા છતાં બીજા કોઈની જાનહાનિ થઈ નહોતી. અપર મોરલેન્ડ ટાઉનશિપ પોલીસે આપેલી માહિતી મુજબ પ્લેન કોઈકના ઘરના પાછળના ફળિયામાં જઈ પડ્યું હતું અને કેટલાય વૃક્ષો સાથે અથડાયું હતું.
આ દુર્ઘટનામાં કોઈના ઘરને નુકશાન થયું નથી તે પણ એક આશ્ચર્યની વાત હોવાનું પોલીસે કહ્યું હતું. ડો. ખુરાનાએ અમેરિકામાં ટેમ્પલ યુનિવર્સિટીમાં બોન પેથોલોજીનો અભ્યાસ કર્યો હતો અને ત્યાં જ તેઓ ફેકલ્ટી તરીકે પણ સેવાઓ આપતા હતા. તેમના પત્ની ડો. દિવ્યા ખુરાના સેઈન્ટ ક્રિસ્ટોફર હોસ્પિટલ ફોર ચિલ્ડ્રન ખાતે સેવાઓ આપતા હતા. તેમની સાથે જ અકસ્માતમાં મૃત્યુ પામેલી પુત્રી કિરણ પણ હજી ગયા વર્ષે જ હેરિટોન હાઈસ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થઈ હતી.