ઈન્ડિયન ઓરિજિન ન્યુરોલોજિસ્ટ ડોક્ટર અનિલ પ્રસાદ અમેરિકામાં એક દાયકાથી વધુ સમય સુધી ગેરકાયદે રીતે નિયંત્રિત દવાઓના વિતરણ બદલ તેમજ હેલ્થકેર ફ્રોડના આક્ષેપસર દોષિત ઠેરવવામાં આવ્યા છે. લ્યુઈસિયાનાના ભારતીય મૂળના તબીબ અનિલ પ્રસાદને પોતાના વ્યવસાયથી અલગ ગેરકાયદે રીતે પ્રતિબંધિત પદાર્થ પ્રિસ્ક્રાઈબ કરવા માટે એક કાઉન્ટ તેમજ હેલ્થકેર કૌભાંડનું ષડયંત્ર રચવા એક કાઉન્ટ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હોવાનું યુએસ એટર્ની પીટર સ્ટ્રાસરે જણાવ્યું હતું.
કોર્ટના દસ્તાવેજો મુજબ નવેમ્બર 2006થી જુલાઈ 2018 વચ્ચે પ્રસાદ સિયાડેલમાં એક ક્લિનિકમાં ફરજ બજાવી રહ્યા હતા. તેમના કાર્યકાળમાં તેમણે દર્દીને તપાસ્યા વગર અને તેમની જરૂરિયાતને જાણ્યા વગર નિયંત્રિત પદાર્થો લખી આપ્યા હતા જેમાં ઓક્સિકોડોન અને હાઇડ્રોકોડોનનો સમાવેશ થાય છે. અનિલ પ્રસાદ જ્યારે બહાર ગયા હોય ત્યારે ક્લિનિકમાં હાજર નર્સ અગાઉથી લખેલા પ્રીસ્ક્રિપ્શન દર્દીને આપતા હોવાથી તેમનો પણ સહ આરોપી બનાવાયા છે. જો કે તેમના નામ જાહેર નથી કરાયા.
આ ઉપરાંત પ્રસાદને ખ્યાલ હતો કે કેટલાક દર્દીઓ આ નિયંત્રિત દવાઓ ખરીદવા તેમના સ્વાસ્થ્ય વીમા મેડીકેર અને મેડીકેડના લાભોનો ઉપયોગ કરી રહ્યા હતા. ઉપરોક્ત સમયગાળામાં મેડીકેર અને મેડીકેડ દ્વારા પ્રસાદના પ્રિસ્ક્રીપ્શનને આધારે અંદાજે 16.5 લાખ ડોલર ચૂકવાયા હતા. કોર્ટ અનિલ પ્રસાદને વધુમાં વધુ 30 વર્ષ જેલની સજા તેમજ 12.5 લાખ યુએસ ડોલરનો દંડ ફટકારી શકે છે.