અમેરિકા અને ઇઝરાયલ સત્તાવાર રીતે સંયુક્ત રાષ્ટ્રના શૈક્ષણિક, વિજ્ઞાનીક અને સાંસ્કૃતિક સંગઠન (યૂનેસ્કો)થી અલગ થઇ ગયા છે. બન્ને દેશોએ યૂનેસ્કોથી અલગ થવાની પ્રક્રિયા લગભગ એક વર્ષ પહેલા શરૂ કરી હતી. તેમનો આરોપ હતો કે, યૂનેસ્કો ઇઝરાયલ વિરુદ્ધ પૂર્વગ્રહ રાખી રહ્યું હતું.
આમ તો અમેરિકા અને ઇઝરાયલનું યૂનેસ્કોથી અલગ થવુ માત્ર એક પ્રક્રિયા સાથે જોડાયેલ મામલો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે આ મહત્વની ઘટના માનવામાં આવે છે. બીજા વિશ્વ યુદ્ધ પછી યૂનેસ્કોની સ્થાપના કરવા વાળા દેશોમાં અમેરિકા પણ હતું. અમેરિકાના ટ્ર્મ્પ પ્રશાસને યૂનેસ્કોથી અલગ થવા માટે વર્ષ 2017ના ઓક્ટોબરમાં નોટિસ આપી હતી. જે પછી ઇઝરાયલે પણ યૂનેસ્કોથી અલગ થવાની પ્રક્રિયા શરુ કરી હતી.
ટીકાકારો પેરિસ સ્થિત આ સંગઠનને ઇઝરાયલની વિરુદ્ધ પૂર્વગ્રહ ગ્રસ્ત દર્શાવે છે. પૂર્વ જેરૂસલેમ પર ઇઝરાયલનો કબજા વિરુદ્ધ નિવેદન આપવા, પ્રાચીન યહૂદી સ્થળો ઘરાવતા પેલેસ્ટાઇનના નામકરણ અને 2011માં પેલેસ્ટાઇનને પૂર્ણ સભ્યતા આપવામાં યૂનેસ્કોની ટીકા કરવામાં આવી હતી. અમેરિકાએ યૂનેસ્કોમાં પાયાનો સુધાર કરવાની માગ કરી હતી. પેલેસ્ટાઇનને સભ્ય રાષ્ટ્ર તરીકે સમાવેશ કરવા બદલ અમેરિકા અને ઇઝરાયલે યૂનેસ્કોને બાકીની રકમની ચૂકવણી બંધ કરી દીધી હતી.