ટ્વિટરે શંકાસ્પદ ગતિવિધિ કરતા એકાઉન્ટને હટાવી દેવાની પ્રક્રિયા હાથ ધરી હોવાથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પૂર્વ પ્રમુખ બરાક ઓબામાના ફોલોઅર્સની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

અમેરિકામાં ટ્વિટર મેનેજેન્ટે શંકાસ્પદ ગતિવિધિ કરતા એકાઉન્ટને હટાવી દેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. એ પ્રક્રિયાના ભાગરૃપે અસંખ્ય ડમી એકાઉન્ટ હટાવી દેવાયા હતા. એવા એકાઉન્ટમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ફોલો કરતા એક લાખ કરતા વધુ એકાઉન્ટનો પણ સમાવેશ થતો હતો. એટલે ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર ફોલોઅર્સની સંખ્યામાં એક લાખનો નોંધપાત્ર ઘટાડો થયો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર ઉપર ૫.૩૪ કરોડ ફોલોઅર્સ છે. સૌથી વધુ ઘટાડો પૂર્વ પ્રમુખ ઓબામાના ફોલોઅર્સમાં થયો હતો. ઓબામા હજુ ય ટ્વિટર ઉપર સૌથી વધુ લોકપ્રિય નેતા ગણાય છે. તેમના ફોલોઅર્સની સંખ્યા ટ્રમ્પ કરતા બમણી એટલે કે ૧૦.૪ કરોડ છે.

એમાંથી શંકાસ્પદ અકાઉન્ટને હટાવી દેવાતા ઓબામાના ફોલોઅર્સની સંખ્યામાં ચાર લાખનો ઘટાડો થયો હતો. ટ્વિટર મેનેજમેન્ટે ડમી એકાન્ટને હટાવી દેવાની પ્રક્રિયા અમેરિકામાં હાથ ધરી છે. આગામી સમયમાં ભારત સહિતના દેશોમાં પણ એવી પ્રક્રિયા હાથ ધરાય તેવી શક્યતા છે.