વેરાવળથી 930 કિમી દૂર દરિયામાં સર્જાયેલું ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તીત થશે. જેને લઇને સૌરાષ્ટ્રના દરેક બંદરો પર ફિશરીઝ વિભાગ દ્વારા એક નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી દેવામાં આવી છે. 12થી 15 જુન વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્રના બંદરો પર હોડીઓ લાંગરી દેવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.
જાફરાબાદ, ઉના, વેરાવળ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના બંદરો પર ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ માછીમારોને સાવચેત રહેવાની તાકીદ પણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગાર સોમનાથ, જૂનાગઢ અને કચ્છ સહિતના જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ઉકળાટ જોવા મળી રહ્યો છે. 42થી લઇ 46 ડિગ્રી સુધીનો તાપમાનનો પારો લોકોને પરસેવે રેબઝેબ કરી રહ્યો છે. ત્યારે 12 જુનથી ગરમીમાં રાહત થાય તેવા સમાચાર પણ મળી રહ્યા છે.