અરૂણાચલ પ્રદેશના લીપોમાં ભારતીય વાયુસેનાનું ગૂમ થયેલું AN-32 વિમાનનો કાટમાળ મળ્યો છે. ભારતીય વાયુસેનાએ કહ્યું કે, Mi-17 હેલિકોપ્ટરે AN-32નો કાટમાળ શોધ્યો છે. આ કાટમાળ લીપોથી 16 કિલોમીટર ઉત્તરમાં મળ્યો છે. વાયુસેનાએ કહ્યું કે, હાલ વિમાનમાં સવાર લોકોને શોધવાના પ્રયાસ ચાલી રહ્યાં છે. નોંધનીય છે કે, આ વિમાન 3 જુનથી ગૂમ હતું જેમાં 13 લોકો સવાર હતા. AN-32એ અસમના જોરહાટ એરબેઝથી ટેકઓફ કર્યું હતું જે અરૂણાચલ પ્રદેશના મેનચુકા જવાનું હતું. ટેકઓફના એક કલાક બાદ વિમાન સંપર્ક વિહોણું થયું. જે બાદથી વિમાનની શોધખોળ શરૂ હતી. ભારતીય વાયુસેનાએ AN-32ની શોધખોળ માટે ચાર Mi-17 હેલિકોપ્ટર, ત્રણ અન્ય ઉન્નત હેલિકોપ્ટર, બે સુખોઇ-30 વિમાન, એક C-130નું માલવાહક વિમાન અને સેનાનું એક માનવ રહિત વાહનને શોધખોળ માટે લગાવ્યું હતું. આ અગાઉ આ વિમાની જાણકારી આપનાપને 5 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી.