મહેન્દ્રસિંહ ધોનીનો ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) ટીમમાં પાછા ફરવા માટેનો માર્ગ મોકળો થઈ ગયો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ગવર્નિંગ કાઉન્સિલે બુધવારે અહીં આયોજિત બેઠકમાં આ ટુર્નામેન્ટની ટીમોને આવતા વર્ષની શરૂઆતમાં (મોટા ભાગે ફેબ્રુઆરીમાં) યોજાનારી હરાજી પહેલાં વધુમાં વધુ પાંચ ખેલાડીઓ જાળવી રાખવાની છૂટ આપી હતી જેને પગલે હવે ધોની આસાનીથી સીએસકેમાં ફરી સામેલ થઈ શકશે. ૨૦૧૮ની સિઝનમાં પ્રત્યેક ટીમ પ્લેયરો ખરીદવા સંબંધમાં વધુમાં વધુ ૮૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી શકશે. આ પહેલાં ૬૬ કરોડ રૂપિયાની ટોચમર્યાદા હતી. વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦ની આઇપીએલ માટેની ટોચમર્યાદા વધારીને અનુક્રમે ૮૨ કરોડ તથા ૮૫ કરોડ રૂપિયા કરવામાં આવશે. ટીમો પોતાના વધુમાં વધુ પાંચ ખેલાડીઓને પ્લેયર રીટેન્શન (પીઆર) અને રાઇટ ટુ મૅચ (આરટીએમ) પદ્ધતિઓ મારફત રીટેન કરી શકશે. આરટીએમ સિસ્ટમ રાઇટ-ટુ-મૅચ કાર્ડ્સ તરીકે પણ ઓળખાય છે. ખાસ કરીને સીએસકે અને રાજસ્થાન રૉયલ્સ (આરઆર) ટીમની બાબતમાં કહેવાનું કે સ્પૉટ-ફિક્સિગં અને બેટિંગના આક્ષેપોને પગલે બે વર્ષ માટે આ બન્ને ટીમ સસ્પેન્ડ થયા બાદ ૨૦૧૮ની એપ્રિલ-મેની આઇપીએલથી પુનરાગમન કરી રહી છે. આ ટીમોને ૨૦૧૫ની સાલમાં પોતાના લિસ્ટમાં જે ખેલાડીઓ હતા એમાંથી પાંચ પ્લેયરો રીટેન કરવાની છૂટ મળશે. બે વર્ષ દરમિયાન એના પ્લેયરો રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ (આરપીએસ) તથા ગુજરાત લાયન્સ (જીઆર)માં જોડાયા હતા. ધોની આરપીએસ વતી રમ્યો હતો, પરંતુ હવે તે સીએસકેમાં કમબૅક કરી શકશે. સસ્પેન્શન સુધી તે સીએસકેનો સુકાની હતો. ખેલાડીઓના પગાર પાછળની ટીમ માટેની ટોચમર્યાદાના સંબંધમાં નવો નિયમ એવો છે કે જો કોઈ ટીમ હરાજી પૂર્વે ત્રણ ખેલાડીને રીટેન કરશે તો એ ટીમની કુલ ૮૦ કરોડ રૂપિયાની ટોચમર્યાદાવાળી જોગવાઈમાંથી ૩૩ કરોડ રૂપિયા કાપી નાખવામાં આવશે. બીજી રીતે કહીએ તો રીટેન થનારા પ્રથમ ખેલાડીનો પગાર ૧૫ કરોડ રૂપિયાનો ગણીને એટલી રકમ ૩૩ કરોડ રૂપિયાના આંકડામાંથી કાપી નાખવામાં આવશે. એ જ પ્રમાણે, બીજા પ્લેયરનો ૧૧ કરોડ રૂપિયાનો પગાર અને ત્રીજા ખેલાડીનો ૭ કરોડ રૂપિયાનો પગાર ગણીને ટીમની જોગવાઈના ફંડમાંથી કાપી નખાયેલો ગણવામાં આવશે. જો કોઈ ટીમ બે ખેલાડીને જાળવી રાખશે તો પહેલા ખેલાડીનો પગાર ૧૨.૫ કરોડ રૂપિયા ગણીને અને બીજા ખેલાડીનો પગાર ૮.૫ કરોડ રૂપિયા ગણીને એટલી રકમ ટીમ માટે મંજૂર થયેલા ફંડમાંથી કાપી નાખવામાં આવશે. જો એક જ ખેલાડીને રીટેન કરવામાં આવ્યો હશે તો સંબંધિત ટીમના ફંડમાંથી ૧૨.૫ કરોડ રૂપિયા જ કાપવામાં આવશે. એકંદરે, ત્રણ ખેલાડીને રીટેન કરનારી ટીમ ફેબ્રુઆરીની હરાજીમાં વધુ પ્લેયરોને ખરીદવા વધુમાં વધુ ૪૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરી શકશે. આઇપીએલ દ્વારા એવું પણ જણાવાયું છે કે દરેક ફ્રૅન્ચાઇઝીએ પગારને લગતી જે ટોચમર્યાદા નક્કી થઈ છે એના ઓછામાં ઓછા ૭૫ ટકા હિસ્સાનો ઉપયોગ કરવો જ પડશે. એ ઉપરાંત, દરેક ટીમના ખેલાડીઓની સંખ્યા ૧૮થી ૨૫ની વચ્ચેની હોવી જ જોઈશે અને એમાં વિદેશી પ્લેયરો આઠથી વધુ નહીં હોવા જોઈએ. સ્વાભાવિક છે કે વિરાટ કોહલી જેવા ટોચના ખેલાડીને બૅન્ગલોરની ટીમ દ્વારા રીટેન કરાનારા પ્લેયરોમાં (૧૫ કરોડ રૂપિયાના પગારની ટોચમર્યાદાવાળી) ટોચની કૅટેગરીમાં મૂકવામાં આવશે. રાઇટ-ટુ-મૅચ સિસ્ટમમાં ટીમ પોતે જ રીટેન ન કરેલા ખેલાડીને હરાજી દરમિયાન ફરી ખરીદી શકે છે. ઉદાહરણ તરીકે, જો કોલકતાની ટીમે ઉમેશ યાદવને જાળવી ન રાખ્યો હોય તો તે હરાજી માટેના પ્લેયરોની યાદીમાં મૂકાશે. જો ઑક્શન દરમિયાન દિલ્હીની ટીમે તેને ઊંચામાં ઊંચા બે કરોડ રૂપિયાના ભાવે ખરીદી લીધો હશે તો પણ જો કોલકતાની ટીમને એ તબક્કે ઉમેશ જાળવી રાખવો હોય તો એટલા જ ભાવે (બે કરોડ રૂપિયામાં) જાળવી શકશે. દરમિયાન, દરેક આઇપીએલ-ટીમ માટે વધુ એક નવો નિયમ એ છે કે તેઓ જો પાંચ ખેલાડીને રીટેન કરે તો એમાં કૅપ્ડ પ્લેયરો (ભારત વતી આંતરરાષ્ટ્રીય મૅચ રમી ચૂકેલાઓ)ની સંખ્યા વધુમાં વધુ ત્રણ હોવી જોઈશે, અનકૅપ્ડ પ્લેયરો (માત્ર ડોમેસ્ટિક ક્રિકેટ રમેલાઓ)ની સંખ્યા વધુમાં વધુ બે હોવી જોઈશે અને વિદેશી ખેલાડીઓની સંખ્યા વધુમાં વધુ બે હોવી જોઈશે. બુધવારની મીટિંગમાં એવું પણ નક્કી થયું હતું કે ભારત વતી રમી ચૂકેલા ખેલાડીઓને આઇપીએલ માટે હરાજીમાં ખરીદવા માટેની બેઝ પ્રાઇસ (મૂળ કિંમત) ૩૦ લાખ રૂપિયાથી વધારીને ૫૦ લાખ રૂપિયા અને જે ૫૦ લાખ રૂપિયા હતી એ વધારીને ૭૫ લાખ રૂપિયા કરવામાં આવી છે. એ જ પ્રમાણે, ભારત વતી ક્યારેય ન રમ્યા હોય અનકૅપ્ડ ખેલાડી માટેની મૂળ કિંમત જે અગાઉ ૧૦ લાખ, ૨૦ લાખ અને ૩૦ લાખ રૂપિયા હતી એમાં ૧૦-૧૦ લાખ રૂપિયાનો વધારો કરાયો છે. આઇપીએલના ચૅરમૅન રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે તમામ નિર્ણયો ટીમો સાથે સહમતિ સાધ્યા પછી લેવામાં આવ્યા હતા. અમુક ટીમો છથી આઠ ખેલાડીને જાળવી રાખવા માગતી હતી, પરંતુ અમે મહત્તમ પાંચ પ્લેયરનો વચલો માર્ગ અપનાવ્યો હતો. પ્લેયરોની હરાજી જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં યોજાશે. દરમિયાન, અદાલતે કોચી ટસ્કર્સ ટીમને ૫૫૦ કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો બીસીસીઆઇને જે આદેશ આપ્યો છે એ સંબંધમાં ૧૧મી ડિસેમ્બરે યોજાનારી સ્પેશિયલ જનરલ મીટિંગમાં ચર્ચા કરાશે.