અંબાતી રાયડુએ તેની પ્રથમ આઇપીએલ સદી રવિવારે ફટકારતાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ટી-20 ક્રિકેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આઠ વિકેટે ઝળહળતો વિજય હાંસલ કરીને 2018ની આ લીગ ટુર્નામેન્ટમાં પોતાનો પ્લે ઓફ પ્રવેશ નિશ્ચિત કરી દીધો હતો. ચેન્નાઈના જ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટી20માં સૌથી વધુ વખત અણનમ રહેવાનો વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. ચેન્નાઈ 12 મેચમાં 16 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે જ્યારે હૈદરાબાદ આ પરાજય છતાં 18 પોઇન્ટ સાથે મોખરે છે અને બંને ટીમ પ્લે ઓફમાં પ્રવેશી ચૂકી છે.
પ્રથમ બેટિંગ કરતાં હૈદરાબાદે 20 ઓવરમાં ચાર વિકેટે 179 રન કર્યા હતા, જવાબમાં ચેન્નાઈએ 19 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવી ટાર્ગેટ હાંસલ કર્યો હતો. હૈદરાબાદે આ સિઝનમાં અગાઉ 150 કરતાં ઓછો સ્કોર એકથી વધુ વખત ડિફેન્ડ કરેલો છે, પરંતુ રવિવારે ચેન્નાઈ સામે તેના બોલર્સ નિષ્ફળ રહ્યા હતા. અંબાતી રાયડુ અને શેન વોટ્સને પ્રારંભથી જ હૈદરાબાદની આશા ઉપર પાણી ફેરવી દીધું હતું. બંનેએ પહેલી વિકેટ માટે 13.3 ઓવરમાં 134 રનની ભાગીદારી નોંધાવી હતી. શેન વોટ્સને ઝડપી બેટિંગ કરી 35 બોલમાં ત્રણ છગ્ગા સાથે 57 રન કર્યા હતા, જ્યારે રાયડુ 62 બોલમાં 100 રન સાથે અણનમ રહ્યો હતો. તેણે સાત છગ્ગા અને સાત ચોગ્ગા માર્યા હતા. આ ઇનિંગ્સ સાથે રાયડુએ આ સિઝનમાં પોતાના કુલ રનનો આંકડો 535 ઉપર પહોંચાડી દીધો હતો. આ સિદ્ધિ હાંસલ કરનારો તે ચોથો ખેલાડી છે. અગાઉ રિશભ પંત, વિલિયમ્સન અને લોકેશ રાહુલ 500થી વધુ રન કરી ચૂક્યા છે.
ચેન્નાઈ માટે સુરેશ રૈના માત્ર બે રન કરી શક્યો હતો તો કેપ્ટન ધોની 14 બોલમાં 20 રન કરી અણનમ રહ્યો હતો. ધોની એકંદરે તેની કારકિર્દીમાં 106 વખત અણનમ રહ્યો હતો. અગાઉ શિખર ધવન અને કેન વિલિયમ્સને પણ સદીની ભાગીદારી નોંધાવી હતી.