આઈપીએલ 2018ની તૈયારીઓનો આરંભ થઈ ચૂક્યો છે. બહુ ગવાયેલા સ્પોટ ફિક્સિંગ કાંડના પગલે બે વર્ષનું સસ્પેન્શન પુરૂં થતા આ વર્ષથી ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો ફરી રમશે. અપેક્ષા મુજબ જ ચેન્નાઈ સુપર કિંગ્સે તેના સુકાની તરીકે મહેન્દ્ર સિંહ ધોનીને, રોયલ ચેલેન્જર્સ બેંગલોરે વિરાટ કોહલીને તથા મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને રીટેઈન કર્યા છે, તો રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ક્રિસ ગેઈલ તથા કોલકાતા નાઈટ રાઈડર્સે ગૌતમ ગંભીરને પડતા મુક્યા છે.
આઠ ફ્રેન્ચાઈઝીએ કુલ ૧૮ ખેલાડીઓ રીટેઈન કર્યા છે.
ફ્રેન્ચાઈઝીઝે રીટેઈન કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે, જેમાં આઠ ફ્રેન્ચાઈઝે ૧૮ ખેલાડીઓ રીટેઈન કર્યા હતા. આઇપીએલ ગવર્નિંગ કાઉન્સીલે દરેક ફ્રેન્ચાઈઝીને વધુમાં વધુ ત્રણ ખેલાડીઓ રિટેન કરવાની છુટ આપી હતી અને ચેન્નાઈ, દિલ્હી, મુંબઈ અને બેંગ્લોર એમ ચાર ટીમે પુરેપુરા ક્વોટાનો ઉપયોગ કરી ત્રણ-ત્રણ ખેલાડી રીટેઈન કર્યા હતા. કોલકાતા અને હૈદરાબાદે  બે-બે અને કિંગ્સ ઈલેવન પંજાબ તેમજ રાજસ્થાન રોયલ્સે એક-એક ખેલાડી રીટેઈન કરવાની જાહેરાત કરી હતી.
આઇપીએલમાં બે વખત ચેમ્પિયન રહી ચૂકેલી કોલકાતા ફ્રેન્ચાઈઝે કેપ્ટન અને ઓપનર ગૌતમ ગંભીરને પડતો મૂકવાનો નિર્ણય લીધો હતો.
રીટેઈન થયેલા ખેલાડીઓની યાદી આ મુજબ છેઃ
૧ – ચેન્નાઈ સુપર કિંગ્સ: ધોની, રૈના અને જાડેજા.
૨ – દિલ્હી ડેરડેવિલ્સઃ રીષભ પંત, ક્રિસ મોરીસ અને શ્રેયસ ઐયર.
૩ – મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, હાર્દિક પંડયા અને જસપ્રીત બુમરાહ.
૪ – કોલકાતા નાઈટ રાઈડર્સઃ  રસેલ, નારાયણ.
૫ – કિંગ્સ ઈલેવન પંજાબ: અક્ષર પટેલ.
૬ – રાજસ્થાન રોયલ્સ: સ્ટીવ સ્મિથ.
૭ રોયલ ચેેલેન્જર્સ બેંગલોર: વિરાટ કોહલી, એ બી ડી વિલિયર્સ અને સરફરાઝ.
૮ – સનરાઈઝર્સ હૈદ્રાબાદ: વોર્નર, ભુવનેશ્વર કુમાર.
કોલકાતા નાઈટ રાઈડર્સે તેના કેપ્ટન અને ઓપનર ગૌતમ ગંભીર તેમજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેના ધરખમ ઓપનર ક્રિસ ગેઈલને રીટેઈન કર્યા નથી. જોકે આ બંને ખેલાડીઓને ફ્રેન્ચાઈઝ હજુ તેમની ટીમ જાળવી રાખી શકે છે, પણ આ માટે તેઓએ હરાજીમાં રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરવો પડશે. રાઈટ ટુ મેચ કાર્ડ દ્વારા ફ્રેન્ચાઈઝી તેના ખેલાડીને હરાજીમાં ખરીદનારી ટીમ પાસેથી તેણે લગાવેલી બોલી જેટલી રકમ ચૂકવી પાછો મેળવી શકે છે. દરેક ફ્રેન્ચાઈઝને આવા મહત્તમ બે રાઈટ ટુ મેચ કાર્ડ આપવામાં આવે છે, જેનો ઉપયોગ તેઓ હરાજીમાં કરશે. દિલ્હી ડેર ડેવિલ્સ ફ્રેન્ચાઈઝે સફળતાની તલાશમાં ટીમના કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રીકી પોન્ટીંગની પસંદગી કરી છે. પોન્ટીંગ અગાઉ મુંબઈ ઈન્ડિયન્સના કોચ તરીકે રહી ચૂક્યો છે.  રાહુલ દ્રવિડ તેમજ પેડી અપટોન દિલ્હી ડેરડેવિલ્સના કોચ હતા. જોકે આ બંને દિગ્ગજો ભારતીય ક્રિકેટ બોર્ડમાં કોચ તરીકેની પણ જવાબદારી સંભાળી રહ્યા હોવાથી તેમની સામે ક્લેશ ઓફ ઈન્ટરેસ્ટનો મુદ્દો ઉભો થયો હતો. આ પછી તેમણે રાજીનામું આપી દીધું હતુ.