ગુજરાત વિધાનસભાનું પ્રથમ બજેટસત્ર આજથી શરૂ થઈ રહ્યું છે, જે 28મી માર્ચ સુધી ચાલશે. રવિવારે પૂર્વસંધ્યાએ સત્તાપક્ષ ભાજપની તથા વિપક્ષ કોંગ્રેસની વિધાનસભા પક્ષની ભોજન સાથેની બેઠકો યોજાઈ હતી, જેમાં બન્ને પક્ષોએ રાજકીય વ્યૂહરચના અંગે પરામર્શ કર્યો હતો. આ વખતે વિરોધ પક્ષની નેતાગીરી તથા તેના બહુધા ધારાસભ્યો યુવાન અને આક્રમક હોઈ તેમજ તેમનું સંખ્યાબળ પણ શાસક પક્ષની લગોલગ હોઈ વિવિધ સળગતા મુદ્દાઓ ઉપર સભાગૃહ તોફાની બની રહેવાની ધાસ્તી સેવાઈ રહી છે. ગવર્નરના ભાષણ વખતે ગૃહમાં અનેકવાર તોફાન થયાં હોઈ તથા લોકસભાની ચૂંટણી પૂર્વેનું આ બજેટસત્ર હોઈ ગવર્નરનું ઉદબોધન શાંતિથી પાર પડે તો એ નવાઈ બની રહેશે. ત્યારબાદ રિશેષ પછી શોકાંજલિ અર્પવાનું તથા વિધેયકો રજૂ કરવાનું કાર્ય કામગીરીના એજન્ડા ઉપર છે. 19 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી વિધાનસભા સત્ર ચાલશે. જેમાં સત્રનાં 27 દિવસમાં 28 બેઠકો યોજાશે. 13મી માર્ચનાં રોજ સત્રમાં 2 બેઠક યોજાશે. સત્રમાં સરકારી વિધેયકો માટે 6 દિવસ માટે, બિન સરકારી વિધેયકો માટે 3 દિવસ, બિન સરકારી સંકલ્પ માટે 3 દિવસ, પૂરક માંગણી પર ચર્ચા માટે 2 દિવસ, રાજ્યપાલનાં સંબોધન પર આભાર પ્રસ્તાવ માટે 3 દિવસ, અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા માટે 4 દિવસ અને માંગણીઓ પર ચર્ચા અને મતદાન 12 દિવસ રહેશે.