આધુનિક યુગના આદ્યાત્મિક ગુરૂઃ સદગુરૂ જગ્ગી વાસુદેવ

0
1032

સદગુરૂ જગ્ગી વાસુદેવ, ઈશા ફાઉન્ડેશન અને યોગ ભારતમાં તેમજ વિશ્વમાં અજાણ્યા તો નથી જ, પણ થોડા દિવસ પહેલા મહાશિવરાત્રીના પાવન પર્વે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો, તેના પગલે વિશ્વમાં તેની ખ્યાતિમાં અનેકગણો વધારો અવશ્ય થશે. શિવરાત્રીના દિવસે ભારતમાં તામિલનાડુના કોઈમ્બતુર ખાતે ઈશા ફાઉન્ડેશનમાં સદગુરૂની પરિકલ્પના, તેમના યોગ અને ભગવાન શિવ વિષેના સિદ્ધાંતોને મૂર્તિમંત કરતી આદિયોગીની એક વિરાટ પ્રતિમાનું અનાવરણ ભારતના વડાપ્રધાન અને યોગના હિમાયતી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. સદગુરૂને આ વર્ષે જ પ્રજાસત્તાક દિને ભારત સરકારે જાહેર કરેલા નાગરિક બહુમાનોમાં પદ્મ વિભૂષણનો ખિતાબ એનાયત કરવાની પણ જાહેરાત કરાઈ હતી. કોઈમ્બતુર ખાતેના આ ભવ્ય સમારંભમાં હાજરી આપવા ગરવી ગુજરાતને સદગુરૂ જગ્ગી વાસુદેવ તથા ઈશા ફાઉન્ડેશન દ્વારા ખાસ આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું, જેના પગલે ગરવી ગુજરાતના મેનેજીંગ એડિટર કલ્પેશ સોલંકીએ પણ આદિયોગીની પ્રતિમાના અનાવરણના આ ભવ્ય સમારંભમાં ઉપસ્થિત રહી પ્રસંગની અને શિવજીની દિવ્યતાની અનુભૂતિ નિહાળી હતી, માણી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈશા ફાઉન્ડેશનના વિશાળ કેમ્પસની મુલાકાત પણ લીધી હતી અને ઉપસ્થિત વિરાટ સમુદાયને સંબોધનમાં યોગની મહત્તાની વાત પણ કરી હતી. સદગુરૂએ કલ્પેશ સોલંકી સાથે એક્સક્લુઝીવ વાતચિત પણ કરી હતી. અહીં સદગુરૂ જગ્ગી વાસુદેવનો પરિચય તેમજ તેમની એક રસપ્રદ મુલાકાત પણ રજૂ કરી છે.

મોદીએ આદિયોગીની પ્રતિમાનું અનાવરણ કર્યું
તામિલનાડુ ખાતે કોઇમ્બતૂરમાં ઇશા યોગ ફાઉન્ડેશન ખાતે શુક્રવારે (24 ફેબ્રુઆરીએ) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૧૨ ફીટ ઊંચી આદિયોગી (શિવપ્રતિમા)નું અનાવરણ કર્યું હતું. એ વેળા તેમણે લોકોને પ્રકૃતિનું રક્ષણ કરી માનવીય કૃત્યોને કુદરત સાથે સાંકળીને પ્રકૃતિ સાથે સામંજસ્ય સાધવા હાકલ કરી હતી. કુદરત સાથે એકરૂપ થઈને માનવીએ પ્રકૃતિને અનુકૂળ થવા માટે તેમણે આહવાન કર્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં વિવિધતામાં એકતા મોટી શક્તિ છે તેમ તેમણે જણાવ્યું હતું. ૧૧૨ ફીટ ઉંચી શિવ પ્રતિમા આદિયોગીનું અનાવરણ કરતાં તેમણે જણાવ્યું હતું કે શિવજી સર્વવ્યાપી છે. આખલો, મોર, ઉંદર, વાઘ વિગેરે તેમના અને તેમના પરિવારના વાહનો છે. ગળામાં વાસુકી નાગ છે તે શાંતિપૂર્ણ સહજીવનનું પ્રતીક છે. યોગ વિદ્યાનું મહત્વ સમજાવતાં તેમણે જણાવ્યું હતું કે યોગ ક્રિયાથી એકાત્મતા સધાય છે. સદગુરુના સિદ્ધાંતો મુજબ ઘડાયેલી આદિયોગીની પ્રતિમાનું અનાવરણ કરતા મોદીએ મહાયોગ યજ્ઞનો આરંભ કરાવ્યો. વડાપ્રધાને જણાવ્યું હતું કે, અત્યારે દુનિયાભરમાં યોગના જાણકાર એક મિલિયન લોકો શપથ લઈ રહ્યા છે કે, તેઓ દરેક બીજા સો લોકોને યોગ શીખવશે. તેથી આગામી વર્ષે મહાશિવરાત્રીના દિને દુનિયામાં ઓછામાં ઓછા 100 મિલિયન લોકો યોગવિદ્યા જાણતા હશે. યોગ પ્રાચીન હોવાથી નુકસાનકારક છે, તેવી ગેરમાન્યતા દૂર કરવા માટે તેમણે હાકલ કરી તેમણે કહ્યું યોગવિદ્યા સતત વિકસતી, ઉત્ક્રાંતિ પામતી વિદ્યા છે. તેનો વિકાસ કદી અટકશે નહીં. તેમાં અધ્યાત્મ અને વિજ્ઞાનનો સુભગ અને કલ્યાણકારી સમન્વય થશે. માનવ દેહ અગર મનનું મંદિર છે, તો યોગા સુંદર મંદિરનું નિર્માણ કરે છે. આ જ કારણે હું યોગાને આરોગ્ય વીમા માટેનો પાસપોર્ટ માનું છું.

••••••••

LEAVE A REPLY

3 × 1 =