ગુજરાતમાંથી સિંગદાણાનાં નિકાસ વેપારો સાવ ઠપ્પ થઈ ગયાં છે. ભારતની તુલનાએ બીજા દેશોનાં સિંગદાણા સસ્તા હોવાથી નિકાસને મોટો ફટકો પડ્યો હોવાનું ઉત્પાદકોનું કહેવું છે..
ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીનું ૩૦ લાખ ટન આસપાસ ઉત્પાદન થયું હોવાનો અંદાજ છે. બમ્પર ઉત્પાદનને કારણે નિકાસ વેપારો સારા થાય તેવી સિંગદાણા ઉત્પાદકોને આશા હતી, પરંતુ ભારતની તુલનાએ આફ્રીકા અને આર્જેન્ટિનાનાં સિંગદાણા સરેરાશ ટને રૂ.૧૦૦૦થી ૧૫૦૦ નીચા બોલાતાં હોવાથી ભારતીય દાણાની માંગ ઘટી ગઈ છે તેમ ગોંડલનાં એક અગ્રણી સિંગદાણા ઉત્પાદકે જણાવ્યું હતું..
નિકાસ માટેની જટીલ અને કડક પ્રક્રીયા પાછળ ટને આશરે રૂ.૨૦૦૦નો ખર્ચ થઈ જાય છે. આફાલાટોક્સિનને જાળવવા માટે સરકાર મનમાની કરી રહી છે, પરંતુ તેની મોટી અસર નિકાસ વેપારો ઉપર થઈ છે. જો સિંગદાણાનાં નિકાસ વેપારો થયા હોત તો ખેડૂતોને આપોઆપ મગફળીનાં ઊંચા ભાવ મળત અને સરકારે ખરીદી પણ ઓછી કરવી પડી હોત. .
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સિંગદાણાનાં આશરે ૧૨૦૦થી ૧૫૦૦ કારખાનાઓ આવેલા છે, પરંતુ ચાલુ વર્ષે નિકાસમાં પેરિટી ન હોવાથી અને કુલ ઉત્પાદનમાંથી ત્રીજા ભાગની મગફળી સરકારી ગોડાઉનમાં પડી હોવાથી કારખાનાઓ બંધ પડ્યાં છે.
એક અગ્રણી નિકાસકારે જણાવ્યું હતુંકે સિંગદાણાની નિકાસ ચાલુ નાણાકીય વર્ષમાં ૪.૫થી ૫ લાખ ટન માંડ થાય તેવી ધારણાં છે, જે અગાઉનાં વર્ષ દરમિયાન ૭ લાખ ટન થઈ હતી. સરકાર દ્વારા સિંગદાણાની નિકાસ ઉપર પ્રોત્સાહનો કે સબસિડી જાહેર થાય તો મોટી રાહત મળી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે આંકડાઓ પ્રમાણે એપ્રિલ-ડિસેમ્બર ૨૦૧૭માં સિંગદાણાની નિકાસ ૩.૮૭ લાખ ટનની થઈ છે.