આવકવેરા વિભાગે ટોચના કન્નડ એક્ટર્સ અને ફિલ્મ પ્રોડ્યુસર્સને ત્યાં ગુરૂવારે મોટાપાયે દરોડા પાડ્યા હતા. લગભગ ૨૦૦ અધિકારીઓએ કર્ણાટકમાં વિવિધ સ્થળોએ પહોંચી જઈને સર્ચની કાર્યવાહી શરૂ કરી હતી. આવકવેરા વિભાગના એક અધિકારીએ આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું હતું કે આ ઉપરાંત કેટલાક ફૂડ ચેઈન ગ્રૂપ્સ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આઈટી અધિકારીઓએ મોટા પ્રમાણમાં રોકડ અને સોનાના દાગીના જપ્ત કર્યા છે અને તેના હિસાબો ચકાસવામાં આવી રહ્યા છે. આ દાગીનાનું મૂલ્ય નક્કી કરવા માટે ઝવેરીની પણ મદદ લેવાઈ રહી છે.
આવકવેરા વિભાગના આ દરોડાની કાર્યવાહી ૨૩ સ્થળોએ ચાલી રહી છે. જેમાં હાલમાં આવેલી ફિલ્મ ‘કેજીએફ’ એક્ટર યશ ઉપરાંત અન્ય કલાકારો શિવા રાજકુમાર, પુનિત રાજકુમાર તેમજ સુદીપ અને પ્રોડ્યુસર રોકલાઈન વેંક્ટેશ પણ સામેલ છે. આ ઉપરાંત પ્રોડ્યુસર્સ સીઆર મનોહર અને વિજય કિરાગાન્ડુરુના ઘરે પણ આઈટીના દરોડા પડ્યા હતા.
પૂર્વ સીએમ એસ. બાંગારપ્પાના જમાઈ શિવરાજકુમારને ત્યાં પણ અધિકારીઓ સર્ચ કરી રહ્યા છે. સેલિબ્રિટી રોકલાઈન વેંકટેશ કે જેઓ કોંગ્રેસ ધારાસભ્યના સંબંધી પણ છે તેમના સ્થળોએ પણ આઈટીની રેડ થઈ છે. તેઓ સલમાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ના કો-પ્રોડ્યુસર પણ રહ્યા હતા.
એક્ટર સુદીપે આ દરોડા અંગે કહ્યું હતું કે હાલની ત્રણ કન્નડ ફિલ્મોના બજેટ અંગેની તપાસ માટે આ કાર્યવાહી હોઈ શકે છે. તેણે કહ્યું હતું, ‘મને ચોક્કસ ખ્યાલ નથી શા માટે રેડ પડી છે. પણ મને કોઈ ચિંતા નથી કેમકે મેં કંઈ ખોટું કર્યું નથી.’
આવકવેરા વિભાગે આ ઉપરાંત કેટલીક જાણીતી ફૂડ ચેઈન્સ, કાફે તથા રેસ્ટોરાં ચેઈન્સમાં પણ દરોડા પાડ્યા હતા. જેમાં ગ્રાન્ડ સ્વીટ્સ, હોટ બ્રેડ, સરવણા ભવન અને અંજાપ્પર ગ્રૂપના વિવિધ સ્થળોએ ચેન્નઈમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આઈટી વિભાગે આ ફૂડ ચેઈન્સના વિવિધ ૩૨ સ્થળોએ તપાસ શરૂ કરી છે.