લોકસભા ચૂંટણીના છ તબક્કા પુરા થઈ ગયા છે, સાતમો અને અંતિમ તબક્કો રવિવારે 19 મેનાં રોજ યોજાશે, ગુરૂવારે 23 મેનાં રોજ પરિણામ જાહેર થવાના છે. આ વખતે મતગણતરી થોડી લંબાય તો પરિણામોનું આખરી ચિત્ર વિલંબમાં પડી શકે છે.
રાજકીય પંડિતોના મતે આ વખતે કોઈ એક પક્ષને બહુમતી નહીં મળે અને જોડતોડ કર્યા પછી જ સરકાર બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ થોડાં દિવસ પહેલાં ગઠબંધન અંગે ટિપ્પણી કરી હતી. એ ટિપ્પણી અંગે ગુજરાત ભાજપે ટ્વિટ કર્યુ હતું અને તેમણે કેન્દ્ર અને રાજ્યમાં ભૂતકાળમાં પાર્ટીએ ગઠબંધન સરકારો કેટલી સારી રીતે ચલાવી છે તે અંગે વાત કરી હતી.
મોદીની ગઠબંધન અંગેની ટિપ્પણી અંગે ગુજરાત ભાજપે ટ્વિટ કર્યું હતું, “ભાજપ ગઠબંધન સરકાર કેવી રીતે ચલાવવી તે સારી રીતે જાણે છે. હું સંસ્થા માટે કામ કરતો હતો ત્યારે મેં અલગ અલગ રાજ્યોમાં ભાજપના સાથી પક્ષો સાથે કામ કર્યું છે. અમારી પાર્ટી પાસે વાજપેયીજીનો વારસો પણ છે, એમણે શ્રેષ્ઠ ગઠબંધન સરકાર ચલાવી હતી.” વિરોધ પક્ષોનું માનવું છે કે છ તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા પછી મોદી નર્વસ છે. હવે બહુમતી નહીં મળે તેવા ડરે તેઓ ગઠબંધનની વાત કરી રહ્યાં છે.
અગાઉ પણ ત્રણ રાજ્યોમાં સત્તા ગુમાવ્યા પછી ભાજપે એનડીએના સાથીઓ સામે ઝુકી બિહારમાં જેડીયુ, મહારાષ્ટ્રમાં શિવ સેના તથા પંજાબમાં અકાલી દળને લોકસભાની વધુ બેઠકો આપવી પડી હતી.તાજેતરમાં જ મોદીએ ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજના વડા માયાવતી પર આકરા પ્રહારો કરવાનું ટાળ્યું હતું તો બીજી બાજુ ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકની ફાની વાવાઝોડાં સમયની કામગીરીના તેમણે જે રીતે વખાણ કર્યા હતા તેને રાજકીય નિષ્ણાતો બહુમતી ન મળે તો તેમનો ટેકો મેળવવાના પ્રયાસ તરીકે જ જોયા છે.
આગ લાગે અને કૂવો ખોદવા ન બેસાય, તેમ જો 2019માં ગઠબંધનવાળી સરકાર રચાશે તો છેલ્લી ઘડીએ દોડવું ન પડે તે માટે ભાજપે NDAના સાથી પક્ષોની નારાજગી દૂર કરવાના પ્રયાસો ચૂંટણી શરૂ થઈ તે પહેલાંથી શરૂ કરી દીધા હતા. મિશ્ર સરકારની અટકળો ભાજપને પણ છે તેથી જ સાથી પક્ષોને સહભાગી બનાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. જેનું સૌથી મોટું ઉદાહરણ વારાણસીમાં મોદીએ ઉમેદવારી પત્ર ભર્યુ ત્યારે જોવા મળ્યું હતું. જેને વિપક્ષને આપવામાં આવેલા એક સંદેશ તરીકે જોવામાં આવે છે. જો કે વિપક્ષ વારાણસીમાં NDAની એકતાને ભાજપની નર્વસનેસ તરીકે જ જોઈ રહ્યાં છે.
2014ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેરને કારણે ભાજપે એકલા હાથે 282 બેઠકો જીતી હતી, જે 272ના બહુમતીના આંકડા કરતા 10 સીટ વધુ હતી. પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં કોઈ મુદ્દો કે મોદી વેવ નથી તેથીજ મતદાન માટેના તબક્કાઓ શરૂ થયાં તે પહેલાં જ મોટાભાગના અભિપ્રાયમાં ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો પૂર્ણ બહુમતી નહીં મેળવી શકે તેવી જ અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ એનડીએની સરકાર બનશે તેવા દાવાઓ પણ કરવામાં આવી રહ્યાં છે. જો કે આ દાવાઓ અને અટકળો કેટલી સાચી પડે છે તે તો 23 મે બાદ જ ખ્યાલ આવશે. પરંતુ હાલ તો ગઠબંધન મજબૂત બની રહે તે માટે મોદી સહિત ભાજપના નેતાઓએ પ્રયાસો શરૂ કર્યા છે.
મતદારો મૌન, નેતાઓને અકળામણ
દેશની કુલ 543 લોકસભા બેઠકોમાંથી અત્યાર સુધી 6 તબક્કામાં 484 લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. હવે ફક્ત 59 બેઠકો માટે 19મેના રોજ મતદાન યોજાશે. લોકસભા ચૂંટણીની તમામ બેઠકોનું માટે 23 મેના રોજ પરિણામો જાહેર થશે. જો કે મતદાતાઓનું મૌન નેતાઓને બેચેન કરી રહ્યું છે.
છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની 59 બેઠકો પર મતદાન યોજાયું હતું. મહત્વનું છે કે 2014માં આ 59 બેઠકોમાંથી ભાજપને 44 બેઠકો મળી હતી, જો કે 4 બેઠકો પર તેના સહયોગી પક્ષને જીત મળી હતી. કોંગ્રેસે ફક્ત 2 અને ટીએમસીને 8 બેઠકો મળી હતી. આ જોતા સ્પષ્ટ થઈ રહ્યું છે કે મતદાનની ટકાવારીમાં વધારો ભાજપ માટે ફાયદાકારક નિવડ્યો હતો. 2014માં 9.24 ટકા મતદાન વધારે થતા 59 બેઠકોમાંથી ભાજપને 32 બેઠકોનો ફાયદો થયો હતો. જ્યારે કોંગ્રેસને 20 બેઠકનું નુકસાન થયું હતું. જો કે 2009માં કોંગ્રેસ પાસે 22 બેઠકો હતી, જે 2014માં ઘટીને 2 જ થઈ ગઈ હતી.