અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયેલની રાજધાની તરીકે જેરુસલેમને માન્યતા આપશે. ટ્રમ્પ આ સાથે જ તેલ અવીવમાંથી અમેરિકન દૂતાવાસને જેરુસલેમમાં ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ આપનાર છે. ઉગ્ર વિરોધને પગલે ટ્રમ્પ આ અંગેના તેમના નિર્ણયને ટાળે તેવા અહેવાલ અગાઉ વહેતા થયા હતાં. ટ્રમ્પ વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રેસિડેન્ટ ટ્રમ્પના મતાનુસાર જેરુસલેમ પ્રાચીન યુગથી યહુદીઓની રાજધાની છે અને આધુનિક સત્ય પણ એ છે કે ઈઝરાયેલ સરકારના મુખ્ય મથક, અનેક મોખરાના મંત્રાલય, સંસદ અને સુપ્રીમ કોર્ટ જેરુસલેમમાં જ છે.
ટ્રમ્પ તેમના નિવેદનમાં અમેરિકી દૂતાવાસ તેલ અવીલથી જેરુસલેમ ખસેડવાની પ્રક્રિયાનો આરંભ કરવાનો નિર્દેશ આપશે. નવા દૂતાવાસ માટે યોગ્ય જમીનની શોધ અને નિર્માણ કાર્યમાં 2-3 વર્ષ લાગશે. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ તેમના મોટા ચૂંટણી વચનને પૂર્ણ કરનાર છે. પ્રમુખપદના અગાઉના ઉમેદવારોએ પણ આ જ વચન આપ્યું હતું.
ઈઝરાયેલની રાજધાની અગાઉ તેલ અવીવ હતી, પરંતુ થોડા વર્ષે અગાઉ આ રાજધાની જેરુસલેમમાં ખસેડવામાં આવી છે. જોકે મોટા ભાગના દેશોએ તેમના દૂતાવાસ તેલ અવીલમાં જ રાખ્યા છે અને જેરુસલેમને ઈઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપી નથી. હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પે જેરુસલેમને ઈઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી છે. આ સાથે વિશ્વ વિશેષ કરીને અરબ દેશોમાં ઉહાપોહ મચી ગયો છે. જેરુસલેમ અંગે શું વિવાદ છે, તેની આપણે જાણકારી મેળવીશું. ભુમધ્ય અને ડેડ સીથી ઘેરાયેલા જેરુસલેમ ખ્રિસ્તીઓ, મુસ્લિમો અને યહુદીઓ માટે પવિત્ર છે. જેરુસલેમમાં ટેમ્પલ ટાઉન છે, જે યહુદીઓ માટે પવિત્ર છે. મસ્જિદે અકસા પણ જેરુસલેમમાં છે. મુસ્લિમોના મતાનુસાર આ સ્થળેથી પયગમ્બર મોહમ્મદ અલ્લાહને મળવા ગયા હતાં. જ્યારે ખ્રિસ્તીઓની માન્યતા પ્રમાણે આ જ શહેરમાં ઈસુ ખ્રિસ્તને શૂળીએ ચઢાવી દેવાયા હતાં. સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વના મોટા ભાગના દેશો જેરુસલેમ પરના ઈઝરાયેલા દાવાને માન્ય રાખતા નથી. 1967ના યુદ્ધમાં ઈઝરાયેલે પૂર્વ જેરુસલેમ પર કબજો જમાવ્યો હતો.